મોરબી : 238 બેઠકો સામે ચૂંટણી લડવા મુદ્દે કોંગ્રેસ તરફથી 523 જેટલા કાર્યકર્તાઓએ નોંધાવી દાવેદારી

0
121
/
કોંગ્રેસમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા બેઠકો કરતા ડબલથી વધુ ઉમેદવારો

મોરબી : હાલ મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા માટે આગામી તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીઓ માટે ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ સેન્સ પ્રક્રિયા આટોપી લીધી છે. કોંગ્રેસ તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા દાવેદારોની હોડ જામી છે. બેઠકો કરતા ડબલથી પણ વધુ કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની તૈયારી બતાવતા ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં પ્રદેશ નેતાગીરીને ભારે મથામણ કરવી પડે એવી સ્થિતિ ઉભી થઇ છે.

મોરબી જિલ્લાની કુલ 238 બેઠકો સામે ચૂંટણી લડવા કોંગ્રેસ તરફથી 523 દાવેદારોએ ટીકીટની માંગણી કરી છે. મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે 74, 5 તાલુકા પંચાયત માટે 226 અને 3 નગરપાલિકા માટે 223 ઉમેદવારોએ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવા દાવેદારો નોંધાવી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગત દિવસોમાં મોરબી જિલ્લાના કોંગ્રેસ પક્ષના નિરીક્ષકો ચિરાગભાઈ કાલરીયા (ધારાસભ્ય) અને મોરબી જિલ્લાના નિરીક્ષક કર્ણદેવસિંહ જાડેજા સહિતનાએ ઉમેદવારોની સેન્સ લીધી હતી. જેમાં જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 74 દાવેદારોએ ચૂંટણી લડવા પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી છે. તાલુકા વાઇઝ જિલ્લા પંચાયતની બેઠક માટે દાવેદારો જોઈએ તો મોરબીની 8 બેઠક માટે 24 દાવેદારો, માળિયાની 2 બેઠકો માટે 4 દાવેદાર, હળવદની 6 બેઠક માટે 21, ટંકારાની 3 બેઠક માટે 17 અને વાંકાનેરની 5 બેઠક માટે 8 દાવેદારોએ ટીકીટ માંગી છે.

તાલુકા પંચાયતની સ્થિતિ જોઈએ તો મોરબી તાલુકા પંચાયતની 26 બેઠક માટે 56, માળિયાની 16 બેઠક માટે 31, હળવદની 20 બેઠકો માટે 93, ટંકારાની 16 બેઠક માટે 10 અને વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 27 મળી કુલ 5 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષમાંથી 226 દાવેદારો ચૂંટણી લડવા થનગની રહ્યા છે.

જ્યારે મોરબી જિલ્લાની ત્રણ નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં મોરબી નગર પાલિકાની 52 બેઠક માટે 139, માળીયા નગરપાલિકાની 24 બેઠક માટે 48 અને વાંકાનેર પાલિકાની 28 બેઠક માટે 36 ઉમેદવારોએ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી છે. જો કે, વિશાળ ટેકેદારોને સાથે રાખી ટીકીટ માટે લોબિંગ કરનારા કોંગ્રેસના ટીકીટવાંછુંઓ માટે આગામી બે દિવસ મહત્વના સાબિત થશે, કારણ કે આ બે દિવસ દરમિયાન કોણ કપાશે અને કોણ ભાગ્યશાળી થશે તે પ્રદેશ નેતાગીરી ફાઇનલ કરશે. અલબત્ત ફાઇનલ લિસ્ટ જાહેર થયા બાદ જ દરેક ચૂંટણી ટાણે સર્જાય છે એવી અસંતોષની સુનામી આ ચૂંટણીમાં સર્જાય છે કે કેમ એ જાણવા બે-ચાર દિવસની રાહ પણ જોવી રહી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/