રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ગેસના ભાવમાં રૂપિયા 25થી 30નો તોતિંગ ભાવ વધારા થવાની દહેશત
મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા એવા મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર રશિયા-યુક્રેન યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા છે. યુદ્ધની સ્થિતિને કારણે ગેસ સપ્લાયને અસર થવાની સાથે ડોલરના ભાવ ઉચકાતા કુદરતી ગેસના ભાવમાં ભાવ વધારો કરવો પડે તેવી સ્થિતિ જોતા ગુજરાત ગેસ અને મોરબી સીરામીક એસોશિએશન વચ્ચે બે દિવસ પૂર્વે થયેલી મિટિંગ બાદ રૂપિયા 25થી 30નો ભાવવધારો તોળાઈ રહ્યો હોય આ ભાવ વધારો સીરામીક ઇન્ડસ્ટ્રી સહન કરી શકે તેમ ન હોવાથી મોરબી સિરામીક ક્લસ્ટરમાં સ્વૈચ્છીક શટડાઉન કરવું પડે તેવા સંકેતો મળી રહ્યા છે.
મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર ઉંચકાવાની સાથે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગુજરાત ગેસ કંપની દ્વારા સિરામીક ઇન્ડસ્ટ્રીઝને પૂરો પાડવા આવતા ભાવમાં વધારો કરવા નિર્ણય લેવાયો છે અને આ મામલે આગામી તા.15માર્ચથી ભાવ વધારો કરવા સંકેતો આપતા મોરબી સિરામીક એસોશિએશન અને ગુજરાત ગેસ કંપની વચ્ચે આ મુદ્દે બેઠક યોજાઈ હતી.
વધુમાં આ બેઠકમાં ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રવર્તમાન સ્થિતિમાં કુદરતી ગેસના ભાવમાં રૂપિયા 25થી 30 સુધી વધારો કરવામાં આવશે તેવું જણાવ્યું છે.બીજી તરફ સિરામિક એસોશિએશન દ્વારા ભાવવધારો મોકૂફ રાખવા અથવા મુદત આપવા કંપનીના અધિકારીઓ સમક્ષ માંગ ઉઠાવવામાં આવતા આગામી 15 માર્ચને બદલે 30 માર્ચથી આ ભાવવધારો અમલી બનાવવામાં આવે તેવા સંકેતો સાથે આગામી બે ત્રણ દિવસમાં ગુજરાત ગેસ કંપની આ મુદ્દે નિર્ણ્ય લેનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
દરમિયાન મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝના ટોચના ઉદ્યોગપતિ અને એકસ્પોર્ટરએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલના સંજોગોમાં ગેસના ભાવ વિક્રમી સપાટીએ છે અને હજુ પણ જો ગેસના ભાવ વધે તો પ્રત્યેક બૉક્સે ઉદ્યોગકારને રૂપિયા 20થી 25 રૂપિયાની ખોટ સહન કરવી પડે તેમ હોય ઉધોગ ગેસનો ભાવવધારો સહન કરી શકે તેવી સ્થિતિમાં હોવાથી ઉદ્યોગકારોને કામચલાઉ ધોરણે પોતાનો ઉદ્યોગ બંધ કર્યા સિવાય છૂટકો નથી. હાલમાં ભાવવધારાની અસરતળે ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટમાં ઉદ્યોગકારોની સ્થિતિ દયનિય બની હોવાનું પણ તેમને અંતમાં ઉમેર્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide