જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અને સિવિલ હોસ્પિટલના અનેક કર્મચારી સંક્રમિત થતા કોરોનાની કામગીરીને માઠી અસર
મોરબીમાં કોરોના કાબુમાં લેવા નિવૃત તબીબી સ્ટાફની પણ મદદ લેવાશે
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગમાં તબીબી અને નર્સિંગ સ્ટાફની કાયમી અછત છે ત્યારે હાલમાં કોરોના મહામારીમાં તબીબો, ફાર્માસીસ્ટ અને નર્સિંગ સ્ટાફ પણ કોરોનાની ઝપટે ચડી જતા તબીબી સ્ટાફની હાલમાં કારમી અછત હોય તેવી સ્થિતિ નિર્માણ થતા સરકાર ઈચ્છે તો પણ નવા કોવિડ વોર્ડ શરૂ કરી શકે તેમ ન હોય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિવૃત તબીબો અને નર્સિંગ સહિતના સ્ટાફની તાત્કાલિક ભરતી કરી મદદ લેવા નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ટોચના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
ભારતીય શેરબજારની જેમ મોરબીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સડસડાટ ઉપર ચડી રહ્યો છે તેવા સમયે જ મોરબી સિવિલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને ગ્રામ્ય કક્ષાએ પીએચસી, સીએચસી સેન્ટર તેમજ પેટા આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની અછત વચ્ચે અનેક કર્મચારીઓ પણ સંક્રમિત બનતા હાલમાં મોરબી જિલ્લામાં તબીબી સ્ટાફ અને નર્સિંગ સ્ટાફની અછત સર્જાઈ છે. બીજી તરફ આખા મોરબી જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળી કોરોનાના દર્દીઓ માટે ફક્ત 250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે સરકાર દ્વારા વધારાની કોવિડ હોસ્પિટલ શરૂ કરવા પ્રયાસ તેજ કરાયા છે પરંતુ સ્ટાફની અછત નો પ્રશ્ન ઉભો થતા તંત્ર મૂંઝવણમાં મુકાયું છે.
દરમિયાન મોરબી જિલ્લામાં ખાનગી સંસ્થાઓએ પણ કોવિડ હોસ્પિટલ માટે જરૂરી તમામ સુવિધા માટે તત્પરતા દાખવી ઓક્સિજન બેડની સુવિધા ઉપલબ્ધ બનાવવા તૈયારી દર્શાવતા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિવૃત તબીબો અને નર્સિંગ સ્ટાફની મદદ લઈ આ કપરા કાળમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસ શરૂ કર્યા હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide