યુ-ટ્યુબર કમલેશ મોદીએ પરોપકારી હસીનાબેનની અનન્ય સેવા પ્રવૃત્તિનો વિડીયો બનાવતા દાનની સરવાણી વહી
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક નિઃસ્વાર્થભાવે સેવા કરવાની સાથે બિનવારસુ મૃતદેહની નાતજાતના ભેદભાવ વગર અંતિમ વિધિ કરતા હસીનાબેનનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા બાદ અમદાવાદના દાતાએ પરોપકારી હસીનાબેનની સેવા પ્રવૃત્તિથી પ્રભાવિત થઇ નવીનકોર એમ્બ્યુલન્સ ભેટ આપી છે.
મોરબી સિવિલ હોસ્પિટલને જ સેવાનો મુકામ બનાવી છેલ્લા એક દાયકા જેટલા સમયથી દર્દીઓ માટે સતત ખડેપગે રહેતા હસીનાબેનની પરોપકારી સેવા પ્રવૃત્તિ અને નાતજાતના ભેદભાવ વગર બિનવારસુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાની કામગીરી અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલો બાદ જાણીતા યુ-ટ્યુબર કમલેશભાઈ મોદીએ હસીનાબેનની સેવા પ્રવૃત્તિ અંગેનો વિડીયો બનાવતા અમદાવાદના સુરેશભાઈ અને તેમના મિત્રોએ હસીનાબેનને સેવા પ્રવૃત્તિ માટે એમ્બ્યુલન્સની જરૂરિયાત આજે પુરી કરી હતી.
અમદાવાદના દાતા સુરેશભાઈ અને તેમના સહયોગીઓ આજે યુ-ટ્યુબર કમલેશભાઈ મોદી સાથે મોરબી આવ્યા હતા અને હસીનાબેનને નવી નક્કોર ઇકો કારમાંથી બનાવેલી એમ્બ્યુલન્સ ભેટ ધરી હતી. આ તકે હસીનાબેને જણાવ્યું હતું કે અહીં એવા પણ અનેક દર્દીઓ આવે છે. જેમના પાસે કેસ કાઢવવા માટે પાંચ રૂપિયા પણ નથી હોતા. ત્યારે આજે મળેલી આ એમ્બ્યુલન્સની ભેટ આવા અનેક ગરીબ દર્દીઓના ઉપયોગમાં આવશે. સાથો સાથ બિનવારસુ મૃતદેહોને લઇ જવામાં પણ આ એમ્બ્યુલન્સ ઉપયોગી બનશે તેમ જણાવી એમ્યુલન્સના દાતાઓ અને યુ-ટ્યુબર કમલેશભાઈ મોદીનો તેમને આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide