24 કલાક ચાલુ રહેતી લાઇટોનો પ્રશ્ન હલ કરવા ટાઇમર મુકાશે : 10 દિવસમાં 300 લાઈટ બદલ્યાનો દાવો
મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા લોકોને સારી સુવિધા આપવા શહેરને ત્રણ ઝોનમાં વહેંચી અલગ-અલગ ઝોન ઇન્ચાર્જની નિમણુંક કરી લાઈટ, પાણી, સફાઈ સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવો દાવો પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા કારોબારી ચેરમેન સુરેશ દેસાઈ અને પાલિકા પ્રમુખના પતિ કે.કે.પરમારે પત્રકાર પરિષદમાં કર્યો હતો.આ સાથે જ આવનાર દિવસોમાં મોરબીને સ્વચ્છ બનવવા એક વોટ્સએપ નંબર જાહેર કરી ગંદકીના ફોટો મોકલ્યેથી તુરત જ સફાઈ કામગીરી થાય તે માટે પ્રયાસ કરવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું.
મોરબી નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા દિવાળી ભેટ રૂપે માત્ર વાયદા નહીં નક્કર કામગીરી થાય તે માટે મહત્વપૂર્ણ આયોજન કર્યા હોવાનું આજે પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું. પત્રકાર પરિષદમાં વિગતો આપતા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસમાં જ શહેરના મોટાભાગના મુખ્ય માર્ગો ઉપર લાઈટો બંધ હોવાની નિકાલ કરી 300 લાઈટો બદલવામાં આવી છે અને આવનાર દિવસોમાં 24 કલાક ચાલુ રહેતી લાઇટોનો પ્રશ્ન હલ કરવા ટાઇમર નાખવાની કામગીરી કરવામાં આવશે.વધુમાં તેમને મહત્વપૂર્ણ નિર્ણય અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, મોરબીનો વ્યાપ વધતા સેન્ટ્રલી કામગીરીને બદલે શહેરને ત્રણભાગમાં વિભાજીત કરી ત્રણ અલગ-અલગ ઝોન મુજબ પ્રાથમિક સુવિધા આપવા નિર્ણય કર્યો છે. જે અન્વયે સામાકાંઠા ઝોન, મધ્યઝોન અને રવાપર શનાળા રોડને જોડતા વિસ્તાર માટે અલાયદા ઝોન બનાવવા નક્કી કરી ત્રણેય ઝોનમાં અલગ-અલગ ઝોન ઇન્ચાર્જ લોકોની સુખાકારી માટે ત્વરિત કામગીરી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
વધુમાં મોરબી પાલિકા દ્વારા દીપાવલીના તહેવારો બાદ વરસાદી પાણી નિકાલ માટેની કાયમી યોજના, સીસી રોડ, અને ડ્રેનેજ સહિતના કામો જોરશોરથી શરૂ કરનાર હોવાનું જણાવી સફાઈ માટે પાલિકા દ્વારા બે આધુનિક મશીન ખરીદવા ઓર્ડર આપ્યાનું પણ જણાવ્યું હતું. વધુમાં આગામી પાંચેક માસમાં જ રિવરફ્રન્ટ યોજનાનું કામ પણ શરૂ કરવા જઈ રહી હોવાનું પણ પાલિકાના હોદેદારોએ જણાવ્યું હતું.
રૂ. 5 કરોડના ખર્ચે વરસાદમાં ધોવયેલા માર્ગોનું રિપેરીગ કરાશે
મોરબી નગરપાલિકાએ હવે શહેરની સમસ્યાઓ ઉકેલવા માટે કમર કસી છે અને એના માટે આયોજનબદ્ધ તૈયારીઓ કરી છે. જેમાં શહેરમાં વરસાદમાં ઘણા માર્ગો ધોવાઈ ગયા હતા. ઘણા માર્ગો ચાલવા યોગ્ય પણ રહ્યા નથી.ત્યારે નગરપાલિકા દ્વારા દિવાળી ભેટના અનુસંધાને રૂ. 5 કરોડના ખર્ચે વરસાદમાં ધોવયેલા માર્ગોનું રિપેરીગ કરાશે. આના માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ થઈ ગયા છે અને દિવાળી પછી આ કામગીરી કરાશે.
આ વાયદાઓની નક્કર કામગીરી થશે ખરી ?
નગરપાલિકા ઘણા વર્ષોથી શહેરની સમસ્યા ઉકેલવા મસમોટા વાયદા કરે છે. પણ તંત્રએ આ વાયદાઓ કર્યા બાદ કોઈ પરિણામલક્ષી કામગીરી કરતું ન હોવાથી હકીકતમાં આવા વાયદાનું કોઈ વજૂદ રહેતું નથી. ભૂતકાળમાં અનેક વખત લોકો તંત્રના પોકળ વાયદાનો સ્વાદ ચાખી ચુક્યા છે. ત્યારે આ વખતે પણ તંત્રએ દિવાળી નિમિતે વાયદાઓ કરીને લોકોને દિવાળી પછી ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવ્યા છે. પણ હકીકતમાં આ વાયદાની નકરર કામગીરી થશે કે દરેક વખતની જેમ દિવાસ્વપ્ન જ બની રહેશે ?
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide