આંગળીયા પેઢીના સંચાલક ટ્રાવેલ્સમાંથી રૂપિયાનો થેલો ઉતરતા જ બુકાની ધારી લૂંટારું ત્રાટકયા
વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં લૂંટ ચલાવી લૂંટારુઓ કારમાં નાસી ગયા : નાકાબંધી
મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં દલવાડી સર્કલ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આવેલ નાણાંનું પાર્સલ ઉતારી પોતાની કાર સુધી પહોંચે તે પહેલા જ કારમાં આવેલા ચાર બુકાની ધારી શખ્સોએ રૂપિયા 1.20 કરોડની સરાજાહેર લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે. લૂંટની ઘટનાને લઈ મોરબી પોલીસ દ્વારા ચોતરફ નાકાબંધી કરી હાલ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આંગળીયા પેઢીના સંચાલક આજે સવારે રાજકોટ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પોતાનું નાણાંનું પાર્સલ લેવા દલવાડી સર્કલ પહોંચ્યા હતા અને બસમાંથી રૂપિયા એક કરોડ વીસ લાખ રૂપિયાનું માતબર રકમનું પાર્સલ લઈને જતા હતા તે વેળાએ જ કારમાં ધસી આવેલા ચાર બુકાની ધારી શખ્સોએ આ પાર્સલની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.
બીજી તરફ આંગળીયા સંચાલક દ્વારા આ મામલે ત્વરિત જ પોલીસને જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ લૂંટ પ્રકરણમાં ભોગ બનેલા આંગળીયા પેઢીના સંચાલકની ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રવાપર રોડ ઉપર પણ બંદૂકના નાળચે ધોળા દિવસે લૂંટ થઈ હતી ત્યારે આજે વહેલી સવારે થયેલ લૂંટમાં જાણભેદુ શખ્સોની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસે ચોતરફ નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide