મોરબી જિલ્લામાં કોવિડ-૧૯ વેકસીન આપવા સંદર્ભે આજથી ડોર ટુ ડોર સર્વે શરુ

0
39
/

શહેરમાં 50 વર્ષથી વધુ ઉંમરના તથા બીમારી ધરાવતા લોકોની વિગતો મેળવી ડેટા તૈયાર કરાશે : તૈયારી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને મીટીંગ પણ યોજાઇ

મોરબી : તાજેતરમા કોવીડ-૧૯ વેકસીન તૈયાર થયા બાદ લોકોને વેકસીન આપવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ વિગતો તૈયાર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કતીરા તેમજ ડૉ. વારવડીયાએ બેઠક સંચાલન કરતા જણાવ્યું હતું કે કોરોના-૧૯ વેકસીન તૈયાર થયા બાદ તેને આપવા માટે આરોગ્ય કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓની વિગતો તૈયાર થઈ ગયેલ છે. પરંતુ સરકારની ગાઈડલાઈન મુજબ અગ્રતા ક્રમે ૫૦ વર્ષથી વધુ ઉમરની વ્યક્તિઓ અને ૫૦ વર્ષની નાની ઉમરના પરંતુ અન્ય બીમારી હોય તો તેની વિગતો તૈયાર કરવાની કામગીરી માટે આવતી કાલથી મોરબી જિલ્લામાં સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વેની ટીમને વ્યક્તિનું નામ જન્મ તારીખ અને મોબાઈલ નંબરની સચોટ વિગતો સર્વેની ટીમોને આપવાની રહેશે. જેથી કરીને વ્યક્તિના મોબાઈલ નંબર ઉપર મેસેજ મોકલી કઈ જગ્યાએ વેકસીન લેવા આવવું તેની માહિતી પણ મેળવી શકશે.

વધુમાં વિગત આપતા ડોકટરોએ જણાવ્યું કે જેની માહિતી સર્વેની ટીમને આપવામાં આવશે અને જેની નોંધણી થયેલ હશે તેનેજ વેકસીન આપવામાં આવશે માટે સર્વેની ટીમને સાચી માહિતી આપી નોંધણી કરાવી લેવા અપીલ કરવામાં આવેલ છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન જોષી, મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કતીરા, કોવીડ-૧૯ નોડલ અધિકારી ડૉ.વારેવડીયા, રોટરી તેમજ લાયન્સ ક્લબના પ્રમુખો, જિલ્લા રમતગમત અધિકારી બી.એસ.નાકીયા, આઈ.સી.ડી.એસ.ના એમ.એચ.ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/