મોરબી: હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ જે રીતે ભાજપની જવાબદારી વધી છે ત્યારે સામે પક્ષે એ જ રીતે વિપક્ષની જવાબદારીઓ પણ ઘણી બધી વધી ગઈ છે. મોંઘવારી, બેકારી, કોરોનાકાળ, ડીઝલ-પેટ્રોલ અને ગેસનો ભાવ વધારો, ખેતીના પ્રશ્નો જેવા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ હોવા છતાં જનતાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. આવનારા દિવસોમાં આ તમામ સમસ્યાઓ હલ થશે તેવો આશાવાદ વ્યક્ત કરીને જંગી બહુમતીથી ભાજપને જીતાડયો છે ત્યારે સ્થાનિક નેતાઓ કરતા કેન્દ્રીય નેતૃત્વ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમને નીતિઓને નજર સમક્ષ રાખીને જ મત આપ્યા હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો માળીયા પાલિકા છોડીને સમગ્ર જગ્યાએ કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. ખાસ કરીને આઝાદી બાદ પહેલી જ વખત વાંકાનેર તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી છે સાંસદ, ભાજપ પ્રમુખ, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓ સાથે ખાસ સંવાદ સાધી તેઓની પ્રતિક્રિયા પણ નોંધી હતી.
સાંસદ મોહનભાઇ કુંડારીયા
મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા બદલ જિલ્લાની જનતાનો આભાર માનતા સાંસદ કુંડારિયાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને જ્યારે જંગી બહુમતીથી જનતાએ વિજયી બનાવી છે ત્યારે લોકોની અપેક્ષા અમે સમજી શકીએ છીએ. મોરબી નગરપાલિકા જંગી લીડથી જ્યારે જીતી હોય ત્યારે આવનાર દિવસોમાં મોરબીને ખરા અર્થમાં સૌરાષ્ટ્રનું પેરિસ બનાવવાની અમારી નેમ છે. લોકોએ અમારા ઉપર મુકેલો વિશ્વાસ અને સુશાસનની અપેક્ષા આવનારા પાંચ વર્ષની અંદર પરિપૂર્ણ કરવાનો અમારો સંનિષ્ઠ પ્રયાસ રહેશે. ખાસ કરીને મોરબી શહેરની ભૂગર્ભ ગટરની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, સ્વચ્છતાની સમસ્યા હોય કે પછી પાણી અને સ્ટ્રીટ લાઈટની સમસ્યા હોય, તે તમામ સ્તરે ડેવલોપમેન્ટનો એક અલગ પ્લાન અમે ઘડી કાઢીશું અને મારી એક પરિકલ્પના છે કે, આ તમામ કાર્યો માટે એક એજન્સી નક્કી કરાય કે જે પંચવર્ષીય યોજનાના ધોરણે સમગ્ર મોરબી શહેરના ડેવલોપમેન્ટ માટે એક યોજના અમોને આપે. જરૂર જણાશે તો વર્લ્ડ બેંકની લોન લઈને પણ અમો મોરબીના વિકાસ કાર્યોને વેગ આપીશું. તાલુકા અને જિલ્લાના ખેડૂતો અને શ્રમિકો તેમજ છેવાડાના માનવીને પણ આ ચૂંટણીમાં ભાજપને ભરપૂર મત આપ્યા છે ત્યારે તેઓ પ્રત્યે પણ અમારી જવાબદારી ખૂબ વધી જાય છે. ખાસ કરીને ખેડૂતોને પાણીનો પ્રશ્ન અને સૌની યોજનાનું જે અધૂરું કામ છે, માઇનર કેનાલોનું બાકી કામ છે એ ત્વરિત પૂર્ણ કરવાનો અમારો મુખ્ય એજન્ડા રહેશે. તમામ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તે માટે વિજયભાઈ રૂપાણીની સરકાર ભરપૂર પ્રયાસો કરી રહી છે. ખેડૂતો માટે કેન્દ્રની જે પણ સહાય હોય કે યોજના હોય તે સીધી ખેડૂતોને મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. લોકોના ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટેના પ્રયાસો પણ ભારતીય જનતા પાર્ટી કરશે. ફ્રી મેડિકલ સેવા ઉપલબ્ધ બનાવવા માટે અમે ખાસ યોજનાઓથી બનાવી છે તેનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે, શૈક્ષણિક ક્ષેત્રના વિકાસ માટે પણ અમારો અમારો પ્રયાસ રહેશે. રાજ્ય સરકારે રજૂ થયેલા બજેટને હું આવકારું છું એમ જણાવી સાંસદે ઉમેર્યું હતું કે, નાણાપ્રધાન નીતિનભાઈ પટેલે જે પ્રકારનું બજેટ આપ્યું છે જેમાં મોરબીના વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે જે ધન રાશિ નિશ્ચિત કરાઈ છે તે પૂરેપૂરી વપરાય અને યોગ્ય સમયે નિર્ધારિત કરેલા કામો પૂરા થાય તે માટે અમારા પ્રયત્નો રહેશે. મોરબી નગરપાલિકાની અંદર જ્યારે વિરોધ પક્ષોનું નામોનિશાન નથી ત્યારે અમારા તમામ કાઉન્સીલરો સહિત નેતાઓને છકી જવાની જરૂર નથી. વિરોધ પક્ષની ભૂમિકા જનતા પણ નિભાવી શકતી હોય તે અમે જાણીએ છીએ. લોકોના પ્રાણ પ્રશ્નો માટે મારું એક વિઝન છે કે, પ્રબુદ્ધ નાગરિકોની પાંચ સભ્યોની એક કમિટી બનાવવામાં આવે. જે મોરબીના હિત માટે કામ કરે એવું હાલ વિચારણા હેઠળ છે તેવું મોહનભાઇ કુંડારિયાએ પોતાના મંતવ્યના અંતમાં જણાવ્યું હતું.
લલિત કગથરા – મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
હાલ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો બેફામ ઉપયોગ કરીને સામ-દામ-દંડ-ભેદથી આ ચૂંટણી જીતી છે. પોલીસ એટલે ભાજપ, કલેકટર એટલે ભાજપ, તમામ વ્યવસ્થા તંત્ર એટલે ભાજપ તેવા માહોલ વચ્ચે આ ચૂંટણી યોજાઇ હતી. ત્યારે પ્રજાની અમારા પ્રત્યેની અપેક્ષામાં અમો કંઈક અંશે ઊણા ઉતર્યા હોઇએ એવું લાગી રહ્યું છે. માળીયા શહેર વર્ષોથી કોંગ્રેસનો કમિટેડ વોટર રહ્યું છે. એક અર્થમાં કહીએ તો માળિયા તાલુકો કોંગ્રેસનું એક અંગ છે. આથી માળીયાની અંદર કોંગ્રેસનો જવલંત વિજય થયો છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રથમવાર કોંગ્રેસની હાર અંગે લલિત કગથરા જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમવાર કોંગ્રેસે વાંકાનેર તાલુકા પંચાયત ગુમાવી છે. જોકે પૈસાના જોરે અને યેનકેન પ્રકારે ભાજપે અહીં સત્તા હાંસલ કરી હોય તેવું ક્યાંકને ક્યાંક લાગી રહ્યું છે. આમ છતાં મોરબી જિલ્લાના તમામ મતદારોનો આભાર માનું છું. જ્યાં કોંગ્રેસને જીતાડી છે તેમને હું આવકારું છું અને જ્યાં જ્યાં કોંગ્રેસની હાર થઈ છે એ નિર્ણયને પણ હું શિરોમાન્ય રાખું છું અને મતદારોનો આભાર વ્યક્ત કરું છું. હું માનું છું કે તેઓએ ક્યાંકને ક્યાંક અમારા કાર્યમાં અને સંગઠનમાં નબળાઇ જોઈએ હશે જેને અમે આવનારા દિવસોમાં વધુ તાકાતથી સંગઠિત કરીશું અને પ્રજાના પ્રાણ પ્રશ્ન માટે હંમેશા તેમની સાથે ઊભા રહીશું. હળવદ તાલુકામાં હાર વિશે લલિતભાઈએ જણાવ્યું હતું કે, ત્યાં અમારૂ સંગઠન નબળું હતું અને નબળા સંગઠનને કારણે જ અમે ત્યાં સત્તાથી દૂર રહ્યા છીએ. આવનારા દિવસોમાં જે જે તાલુકા મથકોમાં કોંગ્રેસનું સંગઠન નબળું છે ત્યાં સંગઠનને મજબુત બનાવવાનો પ્રયાસ કરીશું. પક્ષ પલટો કરીને ભાજપમાં જઈને ચૂંટાયા હોય તેવા લોકો પાસેથી જનતા શું અપેક્ષા રાખી શકે? અમે લોકોને આશ્વાસન આપીએ છીએ કે આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકોની તમામ સમસ્યાઓને ઉચ્ચ લેવલ સુધી પહોંચાડશે અને સમસ્યા નિવારવાનો પ્રયાસ કરશે. માળીયાની જીત અંગેના પૂછાયેલા એક સવાલના જવાબમાં લલિત કગથરા જણાવ્યું હતું કે, અગરિયાઓ વર્ષોથી અહીં રહી રહ્યા છે. તેમની સમસ્યાઓ પ્રત્યે ઉચ્ચ સત્તાધીશોએ ક્યાંય ધ્યાન આપ્યું નથી. નવી નવલખી, જુની વાડી વિસ્તારમાં શ્રમિકોની સ્થિતિ હજુ પણ ખરાબ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અંબાણી અદાણીનો વિકાસ કરવામાં જ માને છે. તેવું આ શ્રમિકોની હાલત જોતાં સ્પષ્ટ થઈ જાય છે. લોકોના જીવનમાં સુધારો આવે એવો અમારો હંમેશા પ્રયાસ રહેશે એમ કગથરાએ પણ અંતમાં ઉંમેર્યુ હતું.
લાખાભાઈ જારીયા – શહેર ભાજપ પ્રમુખ, મોરબી
મોરબી શહેરની પ્રજાએ જ્યારે સર્વ સહમતિથી ભાજપને સત્તાનું સુકાન સોંપ્યું છે ત્યારે અમારી જવાબદારી વધી જાય છે. આવનારા દિવસોમાં અલગ અલગ પાંચ-સાત સમિતિઓની રચના કરી એ સમિતિઓને અલગ અલગ કાર્ય સોંપી હાલની તમામ સમસ્યાનું આવનારા દિવસોમાં નિરાકરણ લાવવાનું અમારું ધ્યેય રહેશે. મોરબીના વિકાસમાં અમે કોઈ કચાશ છોડીશું નહિ એમ જણાવીને લાખાભાઈ જારીયાએ અંતમાં કહ્યું હતું કે મોરબીના વિકાસ કાર્યો માટે મહત્તમ ગ્રાન્ટ મેળવીને મોરબીનો વિકાસ પણ કરવામાં આવશે.
રામજીભાઈ રબારી – શહેર કોંગ્રેસ પ્રમુખ, મોરબી
હાલ જનતા જનાર્દનનો જનાદેશ શિરોમાન્ય છે એમ કહીને રામભાઈએ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં મોરબીના પ્રાણપ્રશ્નો સતત ઉજાગર કરતા રહીશું અને એ માટે કલેકટર, ચીફ ઓફિસર કે ગાંધીનગર સુધી લડત ચલાવવી પડે તો પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ તેમજ હારેલા ઉમેદવારો સતત પ્રયત્નશીલ રહેશે. આ ચૂંટણીમાં ભાજપને લડત આપવા માટે અમે ખૂબ સમજી-વિચારીને જ ઉમેદવારો મુક્યા હતા આમ છતાં જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે તે અમોને માન્ય છે. કોંગ્રેસ ક્યારેય ખુરશી માટે ચૂંટણી નથી લડતી; જનતાની સેવા કરવા માટે અને જનતાના કામો કરવા માટે જ કોંગ્રેસ ચૂંટણી લડે છે. મોરબી શહેરમાં ખાસ કરીને ગટર, પાણી, લાઇટ અને રસ્તાના પ્રશ્નોને ઉજાગર કરતા રહીશું અને આવનારી 2022ની ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું સંગઠન વધુમાં વધુ મજબૂત બનાવશું. આ અંગે વધુ વાત કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પ્રજાના પ્રશ્નોને સતત વાચા આપવા માટે મોરબી જીઆઇડીસીના નાકા પાસ જિલ્લા કાર્યાલય સતત ધમધમતું રહેશે અને મોરબીની જનતા તેમની કોઈપણ સમસ્યા માટે ગમે તે સમયે કાર્યાલય આવીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. જેને અમે ઉચ્ચ સ્તરે પહોંચાડીને વાચા આપતા રહીશું. આવનારા દિવસોમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કુશાસન અંગે જે કંઈ પણ સમસ્યાઓ સામે આવશે તેના માટે કોંગ્રેસ સતત લડત ચલાવતી રહેશે તેવી ખાતરી મોરબીની જનતાને પણ રામભાઈએ આપી હતી.
ધારાસભ્ય – બ્રિજેશ મેરજા
હાલ અત્ર-તત્ર-સર્વત્ર પુરા જિલ્લામાં જનતાએ જ્યારે પૂર્ણ વિશ્વાસ સાથે ભાજપને સત્તા સોંપી છે ત્યારે લોકોની આશા અને અપેક્ષા પૂરી કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. એક વિઝન બનાવીને પૂરી ટીમ બનાવીને અમે જનતાની સેવામાં સતત રત રહીશું એવું જણાવીને બ્રિજેશ મેરજાએ પોતાના અત્યાર સુધીના કરેલા કાર્યો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ધારાસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ માત્ર ત્રણ મહિનામાં જ મોરબી શહેરના રોડ-રસ્તાની કાયાપલટ થવાની શરૂઆત થઇ ગઇ છે. આજે જ્યારે નગરપાલિકામાં બાવન કાઉન્સિલરોનું અમોને બળ મળ્યું છે ત્યારે મોરબીનો વિકાસને પણ અવશ્ય બળ મળશે તેવો હું મોરબીવાસીઓને વિશ્વાસ અપાવું છું. ખાસ કરીને મોરબીના રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ અને સ્વચ્છતા અંગેની જે સમસ્યાઓ અત્યાર સુધીની હતી તેમાં હવે આમૂલ સુધારો આવશે. મોરબી પાલિકા વહીવટી તંત્રને અમે ગતિમાન બનાવશું જે આગળ જતાં મોરબીના વિકાસની ગતિને વેગ આપશે. ધારાસભ્ય બન્યા બાદ મારા વિસ્તારમાં બે વાર મેં પ્રવાસ કર્યો છે અને એટલા ટૂંકા સમયમાં 150 કરોડ રૂપિયાના કામો મોરબી વિસ્તારના વિકાસ માટે લાવી આપ્યા છે. ત્યારે ગઇકાલે જાહેર થયેલા બજેટમાં નવલખી બંદર માટે પણ 192 કરોડ રૂપિયાની જેટી મંજૂર થઈ છે. મોરબીના સિરામિક એસોસિયેશનની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને મોરબીના અણીયાળી-જેતપુર રસ્તાને ફોરટ્રેક બનાવવા માટે તેમજ હળવદથી ગાંધીનગરના 70 કિલોમીટર રસ્તાને ફોરટ્રેક બનાવવા માટે 309 કરોડ રૂપિયાના ધન રાશિની જોગવાઈ થઈ છે. જે મોરબી જીલ્લાવાસીઓ માટે સમય બચાવનારો રહેશે. આવનારા દિવસોમાં મોરબીમાં રોજગારી કઈ રીતે વધે તેના પ્રત્યે ભાજપ સરકાર પૂરતું ધ્યાન આપશે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરની અંદર પરપ્રાંતિય શ્રમિકોની ઘણી વસતિ છે આ પરપ્રાંતીઓ ડ્રાય સ્ટેટ માંથી આવતા ન હોય તેઓને ગુજરાત ડ્રાય સ્ટેટ છે અને અહીં સંપૂર્ણ દારૂબંધી છે તે જાણતા હોવા છતાં તેઓ દારૂના દૂષણમાંથી છૂટી શકતા નથી. પરંતુ તેઓને વ્યસનમુક્ત બનાવવા માટે શું કરી શકાય તે બાબત મારા ધ્યાનમાં છે. બ્રિજેશ મેરજાએ આ બાબતને લઈને પોતાની અંગત વાત કરતાં જણાવ્યું હતું કે હું પોતે બિલકુલ નિર્વ્યસની છું અને કોઈ પણ પ્રકારનાં વ્યસનો સખત વિરોધી છું. દારૂના દૂષણને લઈને મોરબીમાં મોટાભાગના ગુનાઓ બનતા હોય છે તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે આ બાબતે ધ્યાન દોરવા બદલ હું આપ નો આભારી છું અને મોરબીવાસીઓની સુરક્ષા અને સલામતી કાજે તેમજ દારૂના દુષણને ડામવા પોલીસ તંત્રને સૂચિત પણ કરવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide