મોરબી જિલ્લા પંચાયતનું રૂપિયા 247.96 લાખની પુરાંત વાળું બજેટ મંજુર : આરોગ્ય માટે લોભ

0
55
/

ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો માટે 7.25 કરોડની જોગવાઈ : કોરોના મહામારીના અનુભવો છતાં આરોગ્ય માટે ફક્ત 11 લાખ 60 હજારની જોગવાઈ

મોરબી : ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચાલુ નાણાકીય વર્ષ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. ગત વર્ષના 11.28 કરોડના બજેટમાં રૂપિયા 7 કરોડ 20 લાખનો વધારો કરી આ વર્ષ માટે શાસકોએ 19 કરોડ 8 લાખની જોગવાઈ સાથેનું બજેટ મંજુર કર્યું છે. બજેટમાં ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે 7.25 કરોડની જોગવાઈ કરી છે જે ગત વર્ષની તુલનાએ બે કરોડથી વધુનો વધારો કરાયો છે.

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે રજુ થયેલ બજેટમાં 247.96 લાખની પુરાંત વાળું છે. બજેટમાં 1006.33 લાખ ઉઘડતી સિલ્ક દર્શાવી વર્ષ 2022-23માં 901.85 લાખની આવક અંદાજવામાં આવી છે. બજેટમાં સામાન્ય વહિવટ ક્ષેત્રે માનદ વેતન, પગાર ભથ્થા અને કન્ટીજન્સી ખર્ચ માટે રૂપિયા 1 કરોડ 33 લાખ 42 હજારની જોગવાઈ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતના સામાન્ય બજેટમાં પંચાયત અને વિકાસ કામો માટે સૌથી વધુ રૂપિયા 7 કરોડ 25 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત શિક્ષણ માટે 70 લાખ 33 હજાર, ખેતીવાડી માટે 8.50 લાખ, પશુપાલન માટે 2.10 લાખ, સમાજ કલ્યાણ માટે 60 લાખ, અકળ શાખા માટે 1.30 લાખ, કુદરતી આફતો માટે 2 કરોડ 45 લાખ, સિંચાઈ માટે 46.75 લાખ, બાંધકામ માટે 3 કરોડ 11 લાખ, પ્રકીર્ણ યોજના માટે 37.31 લાખ, અને આઈસીડીએસ માટે 7 લાખ જોગવાઈ કરવામાં આવી છે.

જો કે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી હાહાકાર મચાવી રહી હોવા છતાં જિલ્લા પંચાયતના વાર્ષિક અંદાજપત્રમાં આરોગ્ય માટે ફક્તને ફક્ત રૂપિયા 11 લાખ 60 હજારની જ જોગવાઈ કરવામાં આવી છે ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાના વિસ્તાર અને સુદ્રઢ આરોગ્ય સેવો માટે ફરજીયાત પણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ ઉપર નિર્ભરતા રાખવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે.

મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં શાસકોએ બજેટને સર્વાનુમતે મંજુર કરવાની સાથે જિલ્લા સેવાસદનમાં કાર્યરત થયેલ નવી જિલ્લા પંચાયત કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીમાં વીજ બચત માટે સોલાર રૂફટોફ લગાવવા નિર્ણય કર્યો છે. સોલાર રૂફટોફ માટે રૂપિયા 16,28,050નો ખર્ચ થશે જે માટે 15માં નાણાપંચની જોગવાઈમાંથી રૂપિયા 13,02,440 ખર્ચ કરવામાં આવશે અને 20 ટકા સરકારની સબસીડી રૂપે 3,25,610ની રકમ મળવા પાત્ર અનુદાન હોવાનો અંદાજ સેવવામાં આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/