વિસીપરા, રણછોડનગર, લાયન્સનગર અને વિજયનગર સહિતના વિસ્તારમાં 15 દિવસથી પાણી ન આવતા લોકો અકળાયા : ચીફ ઓફિસર કહે હું નવો છું મને ખબર ન પડે !!!!
મોરબી : મોરબીના વોર્ડ નંબર – 2માં આવેલ વિસીપરા સહિતના વિશાળ ગરીબ અને પછાત વિસ્તારને ઉનાળાના પ્રારંભે જ છેલ્લા 15 દિવસથી પાણી મળતું બંધ થતા આજે અકળાયેલા આ વિસ્તારના લોકોએ ઢોલ,નગારા સાથે જબ્બર રેલી યોજી નગરપાલિકાને ઘેરાવ કરી છાજીયા લીધા હતા. જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે, નવા આવેલા ચીફ ઓફિસરે રજુઆત કરવા આવેલા લોકોને હું નવો છું મને કઈ ખબર પડતી નથી તેવો જવાબ આપતા મહિલાઓ રોષે ભરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વોર્ડ નંબર -2માં છેલ્લા 15 દિવસથી નગર પાલિકા દ્વારા પાણી વિતરણ બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારમાં આવેલ વીશીપરા, લાયન્સનગર, ફૂલછાબ સોસાયટી, રણછોડનગર, મદીના સોસાયટી, ગુલાબનગર, ભીમરાવનગર, રોહિદાસપરા, વિજયનગર અને ગુજરાત સોસાયટીમાં રહેતા લોકો અકળાઈ ઉઠ્યા છે. છેલ્લા બે મહિના દરમિયાન પાલિકા દ્વારા અહીં ચાર-પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હતું પરંતુ 15 દિવસથી તો બિલકુલ પાણી જ આપવામાં બંધ કરી દેતા ગરીબ વિસ્તારના લોકોની ધીરજ ખૂટતા આજે પગપાળા ચાલી ઢોલ નગારા સાથે રેલી યોજી પાણી આપવા માંગ દોહરાવી હતી.
દરમિયાન આ વિસ્તારમાં રહેતા લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો પાલિકાના ટેન્કર માટે પૈસા ચુકવવાં આવે તો ફટાફટ પાણી આપવામાં આવે છે પરંતુ ગરીબ વિસ્તારના નાગરિકો પાણીવેરો ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધા રૂપે પાણી આપવામાં આવતું નથી.દરમિયાન મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને નાગરિકોએ પાણી ન મળતું હોવાની ફરિયાદ કરતા ચીફ ઓફિસરે હું નવો છું મને ખબર નથી તેવો જવાબ આપતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ચીફ ઓફિસર હે-હાયના નારા લગાવ્યા હતા.
જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે, મોરબી પાલિકામાં બાવને-બાવન સભ્યો ભાજપના છે ત્યારે આ વિસ્તારના નગરસેવકો દ્વારા પણ નગરપાલિકાના વોટરવર્કસ વીભાગને વારંવાર રજુઆત કરવા છતાં પ્રશ્ન ન ઉકેલવામાં આવતા આજે નગરસેવકો પણ લોકોના ટોળા સાથે રજુઆતમાં જોડાયા હતા. નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના જવાબદાર અધિકારીએ પણ સ્ટાફ નવો હોય વોર્ડ નંબર-2માં પાણીની સમસ્યા સર્જાયાનો સ્વીકાર કરી હાલ રીપેરીંગ કામ ચાલુ હોય પાણીની સમસ્યા સર્જાયાનું જણાવ્યું હતું.આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, મોરબી શહેરના નાગરિકોએ ખોબલે -ખોબલે ચૂંટી કાઢેલા ભાજપના પ્રજાસેવકોને પણ પાલિકાના ચીફ ઓફિસર કે અન્ય કર્મચારી જવાબ આપતા ન હોવાની આજની આ ઘટના ઉપરથી છાપ ઉપસી રહી છે ત્યારે ઉનાળાની શરૂઆતના સમયે જ વોર્ડ નંબર -2માં પાલિકાના કર્મચારીઓ સર્જિત પાણી સમસ્યાનું સર્જન થયુ છે ત્યારે જો આવું ને આવું ચાલશે તો આવનાર દિવસોમાં મોરબીના લોકોને ભૂગર્ભ, સફાઈ સાથે પાણી પ્રશ્ને પણ સહન કરવું પડશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide