મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

0
4
/

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી સીલિંગ સુધીના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે ખાટલે મોટી ખોટ કહેવત સાર્થક થતી હોય તેવી ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં જ્યાંથી મોરબી શહેરના લોકોને ફાયર સેફટીની નોટિસ આપવામાં આવી રહી છે તે ત્રણ માળની ઈસ્ટઝોન કચેરીમા જ ફાયર સેફટી લાગેલી નથી. આ ઉપરાંત મોરબી જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પોલીસવડાની કચેરી તેમજ જિલ્લા પંચાયતમાં પણ ફાયર સેફટીની નિયમ મુજબની સુવિધા ન હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં તા.25 મે, 2024ના રોજ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં 20થી વધુ લોકોના મૃત્યુની ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર સેફટીનો કડક અમલ કરવા રાજ્યના તમામ જિલ્લાને આદેશ કર્યો હતો જે અન્વયે મોરબી ફાયર વિભાગે પણ શહેરની તમામ હાઇરાઇઝડ બિલ્ડીંગો, સરકારી કચેરી, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ અને હોસ્પિટલોની યાદી તૈયાર કરી કલેકટર તેમજ કમિશનરને સુપરત કરી છે. જો કે, ફાયર બ્રિગેડ દ્વારા સમયાંતરે શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગ કરી ફાયર સેફટીના અમલીકરણ અને એનઓસી મુદ્દે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જયારે સરકારી કચેરીમાં આ સુવિધાઓનો અમલ કરવાની વાત આવે છે ત્યારે ખુદ અમલીકરણ તંત્ર જ પાણીમાં બેસી ગયું હોવાનું સામે આવ્યું છે.
મોરબીમાં સૌથી વધુ પ્રજાની જ્યા અવર-જવર રહે છે અને જ્યાંથી ફાયર સેફટીની નોટિસ ઈશ્યુ થાય છે તે મહારાણી નંદકુંવરબા ધર્મશાળા બિલ્ડિંગમાં જ ફાયર સેફટી નથી. આ ઉપરાંત મોરબીની જિલ્લા કલેકટર કચેરી, જીલા પોલીસવડાની કચેરી, મોરબી જિલ્લા પંચાયત, મોરબી તાલુકા સેવા સદન સહિતના બિલ્ડિંગમાં પણ હજુ સુધી હાઈડ્રન્ટ ફાયર સેફટી સિસ્ટમ લગાવવામાં ન આવી હોવાનું અને માત્ર એક્સીગ્યુટર લગાવીને ફાયર સિસ્ટમ લગાવવામાં આવી હોવાના દેખાવ કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સરકારી કચેરીમાં ફાયર સેફટી અંગે શું કહે છે ફાયર ઓફિસર
મોરબી મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની અમલવારી અંગે જણાવ્યું હતું કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરની તમામ સરકારી બિલ્ડીંગ અને કચેરીઓનું લિસ્ટ એકાદ વર્ષ પૂર્વે જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું છે અને આ અંગે સરકારમાંથી ગ્રાન્ટની માંગણી સહિતની બાબતો કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સાથે જ મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરી એટલે કે, મહારાણી નંદકુંવરબા ધર્મશાળા સંકુલની ફાયર સેફટી મામલે ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું.
સરકારી કચેરીઓમાં પણ ચેકીંગ કરીએ છીએ : કમિશનર
મોરબી શહેરમાં વિવિધ સરકારી કચેરીઓમાં ફાયર સેફટી લગાવવામાં આવેલ ન હોવા અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, તમામ કચેરીઓમાં પણ સમયાંતરે તપાસણી કરવામાં આવી રહી છે. સાથે જ શાળાઓમાં ફાયર સેફટી અંગેની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મારફતે કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
જિલ્લા સેવા સદનની ઉંચાઈની જાણકારી આરએન્ડબી કચેરી પાસે નથી !
સામાન્ય રીતે 9 મીટરથી વધુ ઉંચાઈ ધરાવતી તમામ બિલ્ડીંગ માટે ફાયર સેફટીના નિયમ મુજબ હાઇડ્રન્ટ સિસ્ટમ એટલે કે, પાઈપલાઈન સાથેની ફાયર સેફટી ફરજીયાત છે. મોરબીમાં જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, તાલુકા સેવા સદન અને જિલ્લા પોલીસવડાની કચેરી ત્રણ માળની હોવાથી અહીં હાઇડ્રન્ટ સિસ્ટમ ફરજીયાત છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી ડી.કે.સોલંકીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, કચેરીમાં ફાયર એક્સીગ્યુટર લગાવવામાં આવ્યા છે. જો કે, કચેરીમાં હાઇડ્રન્ટ સિસ્ટમ જરૂરી હોવાનું પૂછતાં તેમને કચેરીની ઉંચાઈ કેટલી છે તે જોવું પડશે તેમ જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/