શહેરમાં ઘરોમાં ઘુસી ગયેલા પાણીના લીધે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે
મોરબી : તાજેતરમા અનરાધાર વરસાદ અને ઓવરફ્લો થયેલા ડેમોના દરવાજા ખોલાતા મોરબી જિલ્લો જળમગ્ન બની ગયો છે. ખાસ કરીને મોરબી શહેરની હાલત દયનિય બની છે. ત્યારે લોકોના ઘરમાં ઘુસેલા પાણીથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો તથા બીમાર લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ માર્કેટ યાર્ડમાં પાણી ભરાતા મબલખ પાકને નુકસાન પહોંચ્યું છે. તંત્ર દ્વારા કોઈ જમીની કામગીરી ન થતા લોકોની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે
મોરબીમાં ધોધમાર વરસાદના કારણે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે આશરે 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે. માર્કેટિંગ યાર્ડમાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા રહે છે. પાણીના ભરાવાને લીધે માર્કેટ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓના માલને નુકસાની થઇ હતી. યાર્ડની અંદર આવેલી દુકાનોમાં પણ પાણી ભરાય ગયું હતું. આ અંગે માર્કેટ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું છે કે બે દિવસથી ભારે વરસાદના કારણે અંદાજે 2 થી 2.5 કરોડ જેટલું નુકસાન થયું છે. જીરું, તલ, એરંડિયા, કઠોળ, ચણા સહિતનો પાકને નુકસાન થયું છે. જેના લીધે આજે હરાજી બંધ રાખવામાં આવી હતી. આજે યાર્ડમાં સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી, આવતીકાલથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ આવશે.
મોરબી શહેરના લાયન્સ નગર, રવાપર રોડ, રામ ચોક, વાવડી રોડ, શનાળા રોડ સહીતના અનેક વિસ્તારો અને રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા છે. અનેક દુકાનોમાં પણ અંદર પાણી ઘુસી ગયા છે. રામ ચોક નજીક કે. કે. સ્ટીલ સહીત અમુક દુકાનોમાં જમીન નીચેથી પાણી નીકળે છે. મોટર મુકવા છતાં પાણી ઓસર્યા નથી. તેમજ મોરબીમાં 24 કલાકથી વરસાદ બંધ હોવા છતાં મોરબી શહેરના મહેન્દ્રપરા, માધાપર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. આ વિસ્તારમાંથી પાણીનો નિકાલ કરવામાં તંત્ર ટૂંકું પડી રહ્યું હોય એમ સ્થાનિકોની વારંવારની રજુઆત બાદ પણ પાલિકામાંથી કોઈ અહીં ડોકાયું ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide