માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાનો આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે માં કાર્ડ આયુષમાન કાર્ડમાં પણ કન્વર્ટ થઈ શકશે
મોરબી : હાલ સરકારની મહત્વાકાંક્ષી યોજના માં અમૃતમ અને માં વત્સલ્ય કાર્ડ તેમજ આયુષમાન ભારત થકી અનેક જરૂરિયાત મંદોને વિનામૂલ્યે સારી આરોગ્ય સુવિધાઓ મળી છે. ઘણા જરૂરિયાતમંદ લાભાર્થીઓને અસાધ્ય અને જટિલ રોગોમાંથી મુક્ત થઈને નવું જીવન મળ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ બન્ને યોજનો હેતુ એક જ હોવાથી અલગ-અલગ રીતે લાભ આપવાને બદલે બન્ને યોજનાનું એકમાં જ ગઠન કરીને લાભાર્થીનો લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને મોરબી જિલ્લામાં પણ માં અમૃતમ અને વત્સલ્ય કાર્ડનો આયુષ્ય ભારત યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. હાર્દિક રંગપરિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં હાલ માં અમૃતમ અને માં વાત્સલ્ય યોજનાના 78,826 તેમજ આયુષમાન ભારત યોજનાના 77961 લાભાર્થીઓ એક્ટિવ છે. જો કે વચ્ચે એવી અફવા ઉડી હતી કે માં કાર્ડ યોજના બંધ થઈ ગઈ છે. પણ હકીકતમાં માં કાર્ડ યોજના બંધ થઈ નથી. આ માં કાર્ડ યોજનાને આયુષમાન યોજનામાં મર્જ કરી દેવાય છે. એટલે મા કાર્ડના લાભાર્થીઓને આયુષમાન યોજનામાં આવરી લેવાયા છે. આથી, હવે લાભાર્થીઓને આરોગ્યની સુવિધાનો લાભ લેવા માટે માં કાર્ડને આયુષમાન કાર્ડમાં કન્વર્ટ કરવું પડશે.જે માટે સોફ્ટવેર અપડેટ થઈ ગયો છે અને મોરબી સિવિલ હોસ્પિટલમા આરોગ્ય મિત્ર પાસે માં કાર્ડમાંથી આયુષમાનનું કાર્ડ કન્વર્ટ કરાવી શકાશે. તેના માટે લાભાર્થીએ આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ લઇને જવાનું રહેશે. તેવી જ રીતે આ યોજનાની સંલગ્ન ક્રિષ્ના હોસ્પિટલમાં અને આયુષ હોસ્પિટલમાં આ કાર્ડ કન્વર્ટ થઈ શકે તેવી પ્રોસેસ ચાલુ છે. ત્યારે જો કે કોઈ લાભાર્થીઓને ઇમરજન્સી સારવારની જરૂર હોય તો જિલ્લા કક્ષાએ નિર્ધારિત કરેલી એક ઓથોરિટી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સેન્ટરમાં આ અંગે મંજૂરી આપવામાં આવશે તેમ તેમણે જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide