પેન લેવા દુકાને ગયેલી સગીરાને અંદર બોલાવી દુકાન માલિકે અધમ કૃત્ય આચર્યું હતું
મોરબી : હાલ મોરબીમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી માનસિક અસ્થિર સગીરાને તેના જ વિસ્તારના એક દુકાનના માલિકે હવસનો શિકાર બનાવી હતી. જેમાં પેન લેવા દુકાને ગયેલી સગીરાને અંદર બોલાવી દુકાન માલિકે અધમ કૃત્ય આચર્યું હતું. આથી સગીરા ગર્ભવતી થતા દુકાનના માલિકની હવસલીલાનો ભાંડો ફૂટ્યો હતો. હાલ પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી ડીવાયએસપી મુનાફખાન પઠાણે આ ધૃણાસ્પદ બનાવની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની માનસિક રીતે અસ્થિર 15 વર્ષની તરુણવયની દીકરીને બે દિવસ પહેલા અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આથી પરિવારજનો તરુણીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તરુણીનું નિદાન કરી 19 અઠવાડિયાનો ગર્ભ હોવાનું જણાવતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. આથી પરિવારજનોએ ઘરે આવી સગીરાની શાંતિથી પૂછપરછ કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે થોડા દિવસો અગાઉ તેમના ઘરની પાછળ આવેલી દુકાને પેન લેવા માટે ગઈ હતી.ત્યારે સગીરાને દુકાનના માલિકે દુકાનની અંદર બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી પણ આરોપીએ ધમકી આપી હતી. આ રીતે આરોપીએ બે વખત તેણીને હવસનો શિકાર બનાવી હતી. પણ દુકાનદારે ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી હવે સગીરાએ આ આપવીતી જણાવતા તેની માતાએ આ બનાવની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લીધો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide