મોરબીમા વેપારીઓ હવે મીની લોકડાઉનથી થાક્યા : તમામ ધંધા-રોજગાર ખોલવાની છૂટ આપવા માંગ

0
178
/
હાલ તમામ વ્યાપાર-ધંધા અડધો દિવસ ખુલે તેવી મોરબી ચેમ્બર પ્રમુખ સહિતના વેપારી મંડળની માંગણી
કોરોનાએ શારીરિક રીતે ભાંગી નાખ્યા, સરકારે નિયંત્રણ લાદી આર્થિક રીતે ભાંગી નાખ્યા : મોરબીના વેપારીઓનો બળાપો

મોરબી : કોરોના મહામારીને પગલે છેલ્લા એકાદ માસથી મોરબીમાં અમલી બનેલા અધકચરા લોકડાઉનથી વેપારીઓ હવે થાક્યા છે. કોરોનાએ શારીરિક રીતે ભાંગી નાખ્યા બાદ લોકડાઉનમાં હવે વેપારીઓ આર્થિક રીતે ભાંગી પડ્યા છે. હવે વેપારીઓની ધીરજ ખૂટી હોય તેવા સાફ સાફ સંકેતો વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સથી લઈ નાના મોટા તમામ વેપારી સંગઠનો લોકડાઉનથી મુક્તિ માંગી રહ્યા છે અને જો લોકડાઉન લંબાવવું જ હોય તો સરકાર તમામ ધંધા-રોજગારને અડધો દિવસ છૂટ આપે અન્યથા હવે વેપારીઓ સવિનય કાનૂનભંગ કરવાના મૂડમાં હોવાનું સ્પષ્ટ પણે જણાવી રહ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોનાએ તમામ વ્યાપર ધંધા ભાંગી નાખ્યા છે ત્યારે મોરબીમાં કોરોનાના ખતરનાક બનીને ત્રાટકતા વેપારીઓએ સ્વયંભૂ સ્વૈચ્છીક લોકડાઉન અમલી બનાવી કોરોના સંક્રમણ ચેઇન તોડવા પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાર બાદ છેલ્લા એક માસથી સરકાર દ્વારા રાત્રી કરફ્યુ અમલી બનાવી આવશ્યક સિવાયના વ્યાપાર ધંધા બંધ કરી દેતા છેલ્લા એક માસથી મોટાભાગના વેપારીઓ ઘરે બેઠા છે તેવામાં ફરી પાછું મીની લોકડાઉન વધવાના સંકેત મળતા વેપારીઓ નારાજ છે અથવા સંપૂર્ણ લોકડાઉન કરવા અથવા તમામ વ્યાપાર ધંધા સમય મર્યાદા ખુલ્લા રાખવા દેવા માંગ કરી રહ્યા છે.

મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જેન્તીભાઈ જેરાજભાઈ પટેલ કહે છે કે હાલ વેપારીઓની હાલત દયનિય બની છે. કોરોનાએ કોઈને છોડ્યા નથી ત્યારે વેપારી વર્ગને પોતાના ઘર ઉપરાંત કર્મચારીના દવાના ખર્ચા, પગાર, ઘરના રોજિંદા ખર્ચ કાઢવા મુશ્કેલ છે. છેલ્લા એક મહિનામાં વેપારીઓ રીતસર ભાંગી ગયા છે. તેથી, હવે લોકડાઉન કોઈ શરતે પોસાય તેમ નથી. દરરોજ વેપારીઓના અસંખ્ય ફોન આવે છે અને વ્યાપાર શરૂ કરવા રજુઆત પણ થઈ રહી છે પરતું આ સરકાર કોઈનું સાંભળતી જ નથી. હવે જો નિયંત્રણ વધશે તો કંટાળેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવા મજબૂર બને તેમ હોવાનું જણાવી વેપારીઓની ધીરજ ખૂટી ગઈ હોવાનું ઉમેર્યું હતું.

મોરબી વેપારી મહામંડળ પ્રમુખ દિનેશભાઇ કાગડાએ બળાપો ઠાલવતા કહ્યું કે હવે બહુ થયું હવે લાબું લોકડાઉન કોઈપણ વેપારીને પાલવે તેમ નથી. પોતે સતાધારી ભાજપ સાથે જોડાયેલ હોવા છતાં દિનેશભાઇ કહે છે કે અત્યારે સરમુખ્યત્યાર શાહીમાં જીવી રહ્યા હોય એવું લાગે છે. અન્યાયી લોકડાઉન અંગે સરકારમાં રજુઆત કરવા પણ જઈ શકતા નથી. પોલીસ પણ અતિરેક કરી રહી હોવાનું જણાવી તેઓ કહે છે કે, જો વેપારી પોતાની દુકાન પાસે ઉભો હોય અને ખિસ્સામાં દુકાનની ચાવી હોય તો પણ પોલીસ કનડગત કરી બેસાડી દે છે, જે વ્યાજબી નથી અને હવે લોકડાઉન વધારવાને બદલે સરકાર સમય મર્યાદા સાથે તમામ ધંધા શરૂ કરવાની છૂટ આપે તેવી માંગ ઉઠાવી છે.

ઇલેક્ટ્રોનિક્સ વ્યાપારક્ષેત્રે જોડાયેલા પટેલ ઇલેક્ટ્રોનિક્સવાળા નરસીભાઈ પટેલ કહે છે કે એક મહિનાથી અમલી બનેલા આ મીની લોકડાઉનમાં ધંધા બંધ રહેતા અમારા ગ્રાહકો પરેશાન છે. એસી, ફ્રીજ કે અન્ય ઉપકરણો માટેની કામગીરી થઈ શકતી નથી પરિણામે લોકો હેરાન થઈ રહ્યા છે. આ સંજોગોમાં સરકારે કમસેકમ બપોર સુધીના સમય માટે તમામ વ્યાપાર ધંધાને ચાલુ રાખવા છૂટછાટ આપવી જોઈએ અન્યથા વેપારીઓની હાલત દયનિય બનશે તેવું જણાવ્યું હતું.

મોરબીના અગ્રણી પારેખ જવેલર્સ વાળા નિલેશભાઈ પારેખ કહે છે કે લગ્નસરાની સિઝન હોવાથી લોકો આભૂષણો ખરીદવા પરેશાન થઈ રહ્યા છે. એ જ રીતે સોના ચાંદીના દાગીના બનાવનાર કારીગર વર્ગ લાંબા સમયથી બેરોજગાર થઈ ગયો હોય સરકારે નાના માણસોના હિતમાં લોકડાઉન લંબાવવાને બદલે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી હોય છૂટછાટ આપવી જ જોઈએ.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/