[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ ન ઉકેલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદને પગલે શનિવારે ખુદ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પાલિકાના તમામ સ્ટાફની મિટિંગ બોલાવી એક પછી એકના ક્લાસ લીધા હતા બરાબર આ જ સમયે બુઢા બાવાની શેરીમાં ભરાયેલા ગટરના ગંદાપાણીના પ્રશ્ને રજુઆત કરવા નાગરિકોનું ટોળું આવી ચડતા કલેકટરે જવાબદારોને બરાબરના આડેહાથ લઈ જવાબદાર કર્મચારીને મિટિંગમાં હાજર રહેવાની જરુર નથી પહેલા પ્રશ્ન ઉકેલો તેમ જણાવી તાબડતોબ દોડાવ્યા હતા.
મોરબી શહેરમાં ઉનાળામાં પાણીની સમસ્યા વિકરાળ બની છે, સાથે જ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા પણ મઝા મૂકી રહી છે ત્યારે શનિવારે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ ચીફ ઓફિસર સહિતના પાલિકાના તમામ જવાબદાર અધિકારીઓની અગત્યની બેઠક યોજી તમામના ક્લાસ લીધા હતા. ખાસ કરીને નગરપાલિકા દ્વારા લોકોની ફરિયાદોનો નિકાલ કરવાને બદલે ઉદ્ધવત અને ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, તમે લોકો કામ નથી કરતા એટલે જ મારે અહીં ત્રણ ત્રણ કલાકથી આવવું પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર ઝવેરી જયારે બેઠક લઈ રહ્યા હતા ત્યારે જ ગટરના પાણીની સમસ્યા માટે વેપારીઓ રજૂઆત માટે પહોંચ્યા હતા અને રજૂઆત કરતા કહ્યું કે નગરપાલિકા છેલ્લા 5 દિવસથી પ્રશ્નનું નિરાકરણ નથી કરતી અને યોગ્ય જવાબ પણ નથી મળતો. આ રજૂઆત સાંભળી અને કલેક્ટરે તુરંત જ જે તે અધિકારીને આ રીતે જવાબ ન આપવા ઠપકો આપ્યો હતો અને સ્પષ્ટ પણે કહ્યું હતું કે આપણે સરકારી નોકરી કરીએ છીએ તો પ્રજાની વાત સાંભળવાની આપણી ફરજ છે. નગરપાલિકાનો સ્ટાફ આવા જ ઉડાવ જવાબ આપે છે જેની વારંવાર ફરિયાદ આવે છે. પ્રજાના પ્રશ્નો વિકરાળ બને એ પહેલા જ તેનો ઉકેલ લાવો.
દરમિયાન મોરબી નગરપાલિકામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ અધિકારીઓ -કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી તે સમયે જ બુઢાબાવાની શેરીમાં ભૂગર્ભના ગંદા પાણી ફરી વળ્યાં હોવાનું અને પાલિકા જવાબ આપતી ન હોવાની સ્થાનિકોએ રજુઆત કરતા કલેકટર ઝવેરીએ જવાબદાર અધિકારીને મીટિંગમાંથી ઉભા કરી લોકોનો પ્રશ્ન પહેલા ઉકેલવાનું જણાવી દોડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકામાં શનિવારે જિલ્લા કલેકટર તમામ વિભાગોના ક્લાસ લઈ રહ્યા હતા તે સમયે રજુઆત કર આવેલ નાગરિકોએ જણવ્યું હતું કે અમે નગરપાલિકાના જવાબદાર કર્મચારીને ગંદા પાણીના સમસ્યાના ઉકેલ માટે જણાવતા તેઓએ જણાવ્યું હતું કે, તે હાલ મિટિંગમાં હોય અત્યારે નહીં આવી શકે જેથી જિલ્લા કલેકટરે આ કર્મચારી કોણ એવું પૂછતાં ઉપરોક્ત કર્મચારી મિટિંગમાં જ ન હોવાનું સામે આવતા કર્મચારી ઉપર પગલાં તોળાઈ રહ્યાના સંકેત મળી રહ્યા છે.
મોરબી જિલ્લા કલેકટરે પ્રજાજનો જોગ જણાવ્યું હતું કે, જો પાલીકાના જવાબદાર કર્મચારી તમારી ફરિયાદ ન સાંભળે તો ચીફ ઓફિસરને ફરિયાદ કરો અને જો ત્યાં પણ સંતોષ ન મળે તો મને ફરિયાદ કરજો તેવું જણાવ્યું હતું, પરંતુ હકીકત તો એ છે કે, પાલિકાના કર્મચારીઓના ફોન તો ઉપાડે છે પરંતુ ચીફ ઓફિસરનાં ચાર્જમાં રહેલા હળવદ પ્રાંત અધિકારી ડોબરીયા જ ફોન ઉઠાવવાની તસ્દી લેતા નથી તેવી ફરિયાદો પણ ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide