પાલિકાની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી સત્તાનું સુકાન પણ હવે વહીવટદારના હાથમાં
મોરબી : હાલ સ્થાનિક સ્વરાજ્ય સહિત રાજ્યની મહાનગર પાલિકાઓની ચૂંટાયેલી બોડીની મુદત પૂર્ણ થતાં અને ચૂંટણી યોજવાનું હાલની પરિસ્થિતિમાં પ્રતિકૂળ જણાતા આખરે પાલિકાઓ અને મહાનગર પાલિકાઓમાં વહીવટદારોનું શાસન આવ્યું છે. ત્યારે મોરબી પાલિકાની ચૂંટાયેલી બોડીનો વિદાય સમારંભ અને નવનિયુક્ત વહીવટદારનો સ્વાગત સમારંભ યોજવામાં આવેલ હતો.
હાલ મોરબી નગરપાલિકાની ગત ટર્મની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થતાં એમ્પ્લોય યુનિયન દ્વારા તમામ ચૂંટાયેલા કાઉન્સિલરો, પ્રમુખ, ઉપપ્રમુખ સહિત ચેરમેનોનો વિદાય સમારંભ યોજાયો હતો. સાથોસાથ વહીવટદાર તરીકે નિમણુંક થયેલા ચીફ ઓફિસર માટે આવકાર સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાની બોડીએ પૂર્ણ મુદત સુધી ખૂબ સારી કામગીરી કરી છે ત્યારે હવે આવનારા સમયમાં વોર્ડ વાઇઝ કામગીરીનું સુદ્રઢ આયોજન કરવામાં આવશે કે જેથી નાગરિકોએ પાલિકા સુધી ધક્કા ન ખાવા પડે. વધુમાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે મોરબીના તમામ વોર્ડમાં રૂબરૂ જઈને લોક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. આ માટે જે તે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ વોર્ડ વાઇઝ મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળશે. પાલિકાના પ્રમુખ કેતન વિલપરા, ઉપપ્રમુખ એમણાબેન મોવર, પાલિકાના પૂર્વ પ્રમુખો , અસ્મિતાબેન કોરિંગા, ગીતાબેન કંજારીયા, પૂર્વ ઉપ પ્રમુખ અનિલભાઈ મહેતા,વિરોધ પક્ષના નેતા જયરાજસિંહ જાડેજા સહિતના કાઉન્સિલરો આ તકે ઉપસ્થિત રહેલ હતા.
જો કે ગત ટર્મમાં ચૂંટાયેલા તમામ કાઉન્સિલરોએ પાલિકાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પાલિકા કર્મીઓએ ગત પાંચ વર્ષમાં ખૂબ સારી કામગીરી કરી છે. આ તકે અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે પાલિકા કર્મચારીઓ માટે ખાલી પડેલી જગ્યાઓમાં નવી ભરતીની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે કેમકે હાલ માત્ર 203 કાયમી કર્મચારીઓ દ્વારા જ કામગીરી થઈ રહી છે. કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ઝડપથી નિરાકરણ આવે અને ભરતી પ્રક્રિયા સત્વરે શરૂ કરવામાં આવે એવી રજુઆત અનિલભાઈ મહેતાએ કરી હતી. આ દરમ્યાન એમ્પ્લોય યુનિયનના પ્રમુખ અશોકભાઈ જોશી, મહામંત્રી ઝુઝરભાઈ અમીન, અંજારીયાભાઈ, ભાવેશભાઈ દોશી, કનૈયાલાલ કાલરીયા સહિતના કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide