આખા માસ દરમિયાન વાહનચાલકોની આંખોની ચકાસણી, આરોગ્યની તપાસ, ટ્રાફિક નિયમોના પાલન અને વાહનોમાં કોવિડના નિયમોનું પાલન સહિતની સમજણ અપાશે
મોરબી : તાજેતરમા રાષ્ટ્રીય માર્ગ સલામતી અંગે અગાઉ એક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં આવતી હતી. હવે ટ્રાફીકની લોકોમાં વધુ જાગૃતિ કેળવાઈ તે માટે આ રાષ્ટ્રીય માર્ગ સલામતીની આખા માસ સુધી ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે. આથી, મોરબીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આજથી સડક સુરક્ષા જીવન રક્ષાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો છે અને આખા માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી લોકોમાં ટ્રાફિક જાગૃતિ કેળવાનો પ્રયાસ કરાશે.
મોરબી જિલ્લામાં આજથી 17 ફ્રેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી થશે. આ તકે જિલ્લા કલેકટર જે. બી. પટેલ, અધિક કલેકટર કેતન જોશી, એસપી એસ. આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, આરટીઓ વિભાગના પુરોહિત, શીંગાળા સહિતના અધિકારીઓ, ટ્રાફિક પીઆઇ જે. એમ. આલ., પીએસઆઇ ઝાલા, બી ડિવિજન પીઆઇ કોઢિયા, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે, લોકોની ઝડપી નીકળવાની કોશિશ અને ઓવરસ્પીડ વાહન ચાલવાના કારણે અકસ્માતો બને છે. તેથી, અકસ્માત ઓછા થાય એ બાબતે લોકોમાં જાગૃતિ કેળવાઈ તે માટે સપ્તાહને બદલે હવે આખા માસ સુધી આ ઉજવણી કરાશે.
આખા માસ દરમિયાન વાહનચાલકોના આંખની તપાસ તેમજ આરોગ્યની તપાસ સહિતના જુદા-જુદા કાર્યક્રમો અને વાહનોમાં રેડિયમ પટ્ટી લગાવવી, તેમજ તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું સાથોસાથ વાહનોમાં કોવિડના નિયમોના પાલન વિશે યોગ્ય માર્ગદર્શન અપાશે. એસપી ઓડેદરાએ જણાવ્યું હતું કે સરકાર ટ્રાફિક માટે પ્રયત્નશીલ છે. સાથેસાથે લોકોનો પણ ટ્રાફિક નિયમોના પાલન માટે સહકાર જરૂરી છે.
કલેકટરે પણ જણાવ્યું હતું કે લોકોએ કોઈપણ જગ્યાએ જલ્દી પહોંચવા માટે જરાય ઉતાવળ કરવી જોઈએ નહીં અને નિયમો પ્રમાણે જ વાહન ચાલવવું જોઈએ. જેથી, અકસ્માત અને દંડથી બચી શકાય. જયંતિભાઈ રાજકોટિયાએ ટીનએજરોને પણ ટ્રાફિકનું જ્ઞાન આપવાની હાકલ કરી હતી. તેમજ કલેકટર, એસપી સહિતના અધિકારીઓએ વાહનચાલકોને ગુલાબના ફૂલ આપી બે હાથ જોડીને નિયમોનું પાલન કરવાની શીખ આપી હતી.
મોરબી જિલ્લામાં અકસ્માતો ઘટ્યા
મોરબી જિલ્લામાં અકસ્માતો ઘટ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા જોઈએ તો તેમાં અકસ્માત ઘટ્યા હોવાનું સામે આવે છે. જેમાં સત્તાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં વર્ષ 2018માં 209 જેટલા જીવલેણ અકસ્માત સર્જાયા હતા. તેમાંથી ઘટીને વર્ષ 2019માં 179 જેટલા જીવલેણ અકસ્માતના બનાવો બન્યા હતા. તેમાં પણ ગયા વર્ષે એટલે 2020માં ઘટીને 169 અકસ્માતો નોંધાયા હતા. આ રીતે દર વર્ષે મોરબી જિલ્લામાં અકસ્માત પણ ઘટી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide