શહેરના શનાળા રોડ, ગાંધીચોક સહિતના સ્થાનો પર સફાઈના રાખવાના ઉદ્દેશથી મુકેલી ડસ્ટબીનો જ કોઈ ઉપાડી ગયું !!
મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ થાય તેના એક મહિના પહેલા પાલિકા દ્વારા મોટા પાયે સફાઈ અભિયાન, લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન ગોઠવી એ અંગેના જરૂરી સાધનો મુકવામાં આવે છે. જોકે ઓન પેપર સર્વેક્ષણ સંપન્ન થયા બાદ દરેક બાબત સરકારી ફાઈલોમાં રેકોર્ડ સાચવવા પૂરતી રહી જાય છે. આ હકીકત ઉજાગર કરતા દ્રષ્ટાંતો હાલ મોરબીમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે.
મોરબી પાલિકા દ્વારા 2018-2019ના વર્ષમાં “સ્વચ્છતા સર્વેક્ષણમાં” ભીના અને સૂકા કચરાને અલગ અલગ નિકાલ કરે એ માટે શહેરની તમામ સરકાર કચેરી, જાહેર માર્ગો તેમજ લોકોની આવન જાવન વધુ હોય તેવા સ્થળે બ્લુ અને લીલા રંગની બે-બે ડસ્ટબીનોના સેટ મુકવામાં આવ્યા હતા. જોકે, આ ડસ્ટબીનોની નિયમિત જાળવણી કરવામાં આવતી ન હોય મોટાભાગની ડસ્ટબીનોમાં ભીનો-સૂકો કચરો એકસાથે ઠાલવતા હતા. સામાન્ય જનતા અને સફાઈકર્મીઓમાં પણ આ અંગે જાગૃતિ કે સમજણનો અભાવ હોવાનું સ્પષ્ટ જણાઈ આવતું હતું. વળી આ કચરા પેટીઓને પાલિકાના ગાર્બેજ વાહનો દ્વારા સમયસર ખાલી કરી સાફ કરવામાં આવતી ન હોવાથી રખડતા પશુઓ કચરો આરોગવા માટે ડસ્ટબીનોની આસપાસ એકઠા થઇ ડસ્ટબીનમાહેનો કચરો આજુબાજુમાં ફેલાવતા હતા. આનાથી ડસ્ટબીનો પાસે સફાઈના બદલે સૌથી વધુ કચરાનું ન્યુસન્સ ફેલાતું રહેતું હતું.
અલબત્ત હવે તો જ્યાં જ્યાં ડસ્ટબીનમનો મુકાઈ હતી તેમાથી મોટા ભાગની પેટીઓ જ ચોરાઈ ગઈ છે. આ ઉપરાંત આસપાસના વેપારીઓ દ્વારા પેટીમાં પડેલો કચેરો સળગાવી દેવાતો હોવાથી ઘણી ડસ્ટબીનો કચરાની સાથે જ સળગી ગઈ છે. શહેરના એક પણ વિસ્તારમાં પાલિકા દ્વારા મુકવામાં આવેલ લીલા-સૂકા કચરાને એકઠા કરવાની એક પણ ડસ્ટબીન સારી અવસ્થામાં બચી નથી. રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા પાલિકાને આપવામાં આવેલ લાખોની કિંમતની આ ગુમ થયેલ કચરા પેટીઓ કયા પગ કરી ગઈ છે એ જાણવાની દરકાર પણ લેવામાં આવી નથી. બીજી તરફ મોરબીના ટાઉનહોલમાં મોટા પ્રમાણમાં ઢગલો કરી મૂકી દેવાયેલી ડસ્ટબીનોનું શું કરવાનું છે તે અંગે પણ પાલિકા હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકેલ નથી.
અન્ય એક ચોંકાવનારું તથ્ય એ પણ સામે આવ્યું છે કે, ડસ્ટબીનો મુકવામાં અંતરનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવતું હોય છે જે અહીં રાખવામાં આવ્યું ન હતું. સ્વચ્છતા સર્વેક્ષણ વખતે માત્ર દેખાડો કરવા માટે જ આડેધડ ડસ્ટબીનો ખડકી દેવામાં આવી હતી. જો કે, ડસ્ટબીનોની આગામી વ્યવસ્થા અંગે મોરબી પાલિકા ચીફ ઓફિસરને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જે તે કોમ્પ્લેક્સના વેપારીઓની ડસ્ટબીન અંગે જવાબદારી ફિક્સ કરવામાં આવશે. મોરબી શહેરમાં અગાઉ જે ડસ્ટબીનો મુકવામાં આવી હતી તે ચોરી થયાનું સામે આવ્યું હતું તેથી આગામી સમયમાં અમે ડોર ટુ ડોર વાહનો થકી જ કચરો એકઠો કરવાનું આયોજન કર્યું છે. તેમજ જરૂરી હોય ત્યાં જ ડસ્ટબીનો મુકવામાં આવશે અને ત્યાં ડસ્ટબીન સાચવાની જવાબદારી કોમ્પ્લેક્ષના વેપારીઓને સોંપવામાં આવશે. હાલ આ અંગે પોલીસ ફરિયાદ કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ અંતમાં જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide