ગરીબો, વંચિતો અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચ્યો છેઃ ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા
મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપાઈના જન્મદિવસ નિમિત્તે રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીના ટાઉનહોલ ખાતે બુધવારે યોજાયેલ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગ, વિકસતી જાતિ કલ્યાણ કચેરી તેમજ અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના ૧૮૨ જેટલા લાભાર્થીઓને ૪૦.૦૮ લાખ રૂપિયાની સહાય, સાધન સામગ્રી કિટ તેમજ મંજૂરીપત્રો અગ્રણીઓ અને મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સુશાસન સપ્તાહની ઉજવણી નાગરિકોને તેઓના હકો અને લાભો તેમના સુધી પહોંચાડીને ઉજવણી કરી રહી છે જે રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિ છે. ગરીબો, વંચિતો અને છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમો થકી રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
જિલ્લા પંચાયત સામાજિક અને ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેધીએ તેમના પ્રાસંગીક ઉદ્દબોધનમાં ઉપસ્થિત લાભાર્થીઓને વધુને વધુ સરકારી યોજનાઓનો લાભ લઇ પગભર થવા અનુરોધ કર્યો હતો. વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના ઉત્થાન માટે વિવિધ પ્રકારે અનેક યોજનાઓ અમલી છે ત્યારે આ યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે અને નાગરિકોએ જાગૃત રહીને યોજનાઓનો લાભ લે તે માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૫, ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ ૨૧, કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ ૨૩ નવદંપતીઓને સહાય, દિવ્યાંગ જનોની સાધન-સહાય હેઠળ ૨૫, પાલક માતા પિતા યોજના હેઠળ ૮, બિન અનામત નિગમના ભોજન બિલ સહાય યોજના હેઠળ ૩૦ સહિત અન્ય યોજનાઓ હેઠળ કુલ ૧૮૨ લાભાર્થીઓને સ્થળ પર જ ૪૦ લાખ રૂપિયા જેટલી સહાયના લાભો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયા, તેમજ કાર્યક્રમની આભારવિધિ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઇ શેરશીયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં હળવદના ધારાસભ્ય પરસોત્તમભાઇ સાબરીયા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેધી, તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી સર્વે ખીમજીભાઇ કંઝારીયા, ગોરધનભાઇ સોલંકી, જેઠાભાઇ પારેધી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, સમાજ કલ્યાણ અધિકારી કે.બી. ભરખડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઇ શેરશીયા કચેરીના સ્ટાફના કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide