[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : મોરબીના વીસીપરા અંદર આવેલા વીસીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની જંજાળના પ્રશ્ને રહેવાસીઓએ નગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને આ વિસ્તારમાં મેઈન ભૂગર્ભની લાઇન તૂટી ગઈ હોવાથી ભૂગર્ભના ઉભરાતા ગંદા પાણી અને ગટરની લાઇન રીપેર કરવા માટેની તંત્રની ખાતરીનું ગાજર ચવાઈ જતા રહેવાસીઓ વિફર્યા હતા અને જ્યાં સુધી ભૂગર્ભ પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી પાલિકામાં બેસી રહેવાનો રહેવાસીઓએ નીર્ધાર કર્યો છે.
મોરબીના મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની રામાયણ છે. ત્યારે મોરબીના વીસીપરા અંદર આવેલા વીસીનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પ્રશ્ને સ્ત્રી-પુરુષોનું ટોળું આજે નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું અને રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરતા જણાવ્યું હતું કે, વીસીપરા અંદર પ્રકાશ ટાઇલ્સ પાસે આવેલ વીસીનગર વિસ્તારમાં 100 જેટલા મકાનો છે. આ વિસ્તારમાં મેઈન ભૂગર્ભની લાઇન તૂટી ગઈ છે. આથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી સતત ઉભરાયા કરે છે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાથી રોગચાળાનું જોખમ વધ્યું છે. જેમાં સતત ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાથી ઝાડા ઉલ્ટીના વાયરા ફેલાય રહ્યા છે. તેમજ બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી. આથી આ સતત ઉભરાતી ગટર અને મેઈન ભૂગર્ભની લાઇન રીપેર કરવા સતત રજુઆત કરી રહ્યા છે. પણ તંત્ર દરેક વખતે માત્ર વાયદા જ કરે છે. આથી આજે રહેવાસીઓએ નગરપાલિકામાં દોડી જઇ ઉગ્ર રજુઆત કરી હતી અને સવારના 10 વાગ્યાથી પાલિકામાં બેઠા હોય પણ બપોરના 1 વાગ્યા સુધી નગરપાલિકા દ્વારા તેમના વિસ્તારમાં ભૂગર્ભની લાઇન રીપેર ન કરતા ભારે રોષ વ્યાપી ગયો હતો. આથી રહેવાસીઓએ જ્યાં સુધી આ પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી નગરપાલિકામાં બેસી રહેવાની ચીમકી આપી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide