મોરબી અને વાંકાનેર હાઇવે ઉપર દોડતા નંબરપ્લેટ વગરના કાળમુખા ડમ્પરો ક્યારે અટકશે?

0
80
/

મોટાભાગના જીવલેણ અકસ્માતો સર્જી નાશી છુટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડવા પોલીસ તંત્ર માટે પણ પડકારરૂપ

મોરબી : હાલ મોરબીના ઉદ્યોગો માટે માટી સહિતનું પરિવહન કરવાની સાથે રેતી-કપચી લઈને દિવસ રાત બેફામપણે દોડતા રહેતા મોટાભાગના ડમ્પરોમાં નંબર પ્લેટ ઉખાડી ફેંકવામાં આવતી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે અને જિલ્લામાં સર્જાતા મોટાભાગના જીવલેણ અકસ્માતો પણ આવા નંબરપ્લેટ વગરના જ વાહનચાલકો સર્જી રહ્યા હોવાનું સામે આવ્યું છે.આ સંજોગોમાં નાના વાહન ચાલકો સામે નિયમભંગની કાર્યવાહી કરતી પોલીસ અને આરટીઓ તંત્ર આવા યમદૂતો સામે કડકહાથે કામગીરી કરે તે આવશ્યક હોવાનો સુર ઉઠ્યો છે.

મોરબી જિલ્લાને સાંકળી લેતા મોટાભાગના હાઇવે અને ખાસ કરીને કચ્છ-મોરબી-વાંકાનેર હાઇવે ઉપર દિવસ-રાત બેફામ ઝડપે ખનીજ અને માટી સહિતની વસ્તુઓ પરિવહન કરતા ડમ્પર ચાલકો છાસવારે અકસ્માત સર્જી નાસી છૂટતા હોવાનું ઘટના રોજિંદી બની છે ત્યારે એથી પણ ચોંકાવનારી અને ગંભીર બાબત એ છે કે મોરબી જિલ્લામાં યમદૂત બનીને દોડતા મોટાભાગના ડમ્પર ટ્રકમાં નંબર પ્લેટ કાઢી નાખવામાં આવે છે છતાં પણ પોલીસ કે આરટીઓ દ્વારા આવા કાળમુખા ડમ્પરચાલકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

બીજી તરફ મોરબીના ધોરીમાર્ગો ઉપર હિટ એન્ડ રનની પણ અનેક ઘટનાઓ બની રહી છે તાજા ભૂતકાળમાં જ ચારેક નિર્દોષ યુવાનોએ આવા અકસ્માતોમાં પોતાની કિંમતી જિંદગી ગુમાવવી પડી છે અને ગંભીર અકસ્માતની આવી ઘટનાઓમાં લાંબા સમય સુધી અકસ્માત સર્જી નાસી છૂટતા વાહનની ભાળ મળતી નથી કારણ કે આવા નંબર પ્લેટ વગરના વાહનો પકડી શકવા મુશ્કેલ હોવાનું પોલીસ પણ સારી રીતે જાણે છે તેમ છતાં પણ આવા માતેલા સાંઢ જેવા ડમ્પરચાલકો-માલિકો સામે કાર્યવાહી કરાતી નથી જે પણ ખુબ જ ગંભીર બાબત છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/