ટ્રાફિક પોલીસે પાંચ કાળમુખા ડમ્પર અને એક આઇસરને ડિટેઇન કર્યું : આરટીઓ અધિકારીઓ હપ્તામાં મશગુલ
મોરબી : હાલ મોરબીમાં આરટીઓની હપ્તાખાઉ નીતિને કારણે હાઇવે ઉપર નંબરપ્લેટ વગરના વાહનો બેફામ બનીને ઓવરલોડ ચાલી રહ્યા છે ત્યારે ખાસ કરીને ખનીજચોરી અને માટી-પથ્થરો ભરીને કાળની જેમ દોડતા બેકાબુ વાહનો રોજે-રોજ જીવલેણ અકસ્માતો સર્જી રહ્યા હોય અંતે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા આવા નંબર પ્લેટ વગર દોડતા વાહનો વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી ગઈકાલે પાંચ ડમ્પર અને એક આઇસરને ડિટેઇન કરાયું હતું. જો કે, જેમની ફરજ છે એવા આરટીઓના અધિકારી હજુ પણ હપ્તામાં જ મશગૂલ છે !!!
મોરબી શહેર અને જિલ્લામાં માતેલા સાંઢની જેમ દોડી રહેલા મોટાભાગના ઓવરલોડ વાહનોએ નંબર પ્લેટ ઉતારી નાખી આરટીઓને ખરીદી લીધું હોય તેવી સ્થિતિમાં મન પડે ત્યાં માટી પથ્થરના ઢગલા કરવા ઉપરાંત દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જી અનેક માનવ જિંદગીનો અકાળે અસ્ત કરી રહ્યા છે. મોરબી જિલ્લામાં ભાગ્યે જ એવો દિવસ ઉગે છે કે જયારે આવા નંબર પ્લેટ વગરના વાહને અકસ્માત ન સર્જ્યો હોય. આ પરિસ્થિતિને ધ્યાને લઈ અંતે જિલ્લા પોલીસવડાએ નંબર પ્લેટ વગર દોડતા વાહનો વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવા આદેશ આપતા ગઈકાલે ટ્રાફિક પોલીસ દ્વારા મુહૂર્તમાં પાંચ કાળમુખા ડમ્પર અને એક આઇસરને નંબર પ્લેટ વગર દોડતા ઝડપી લઈ ડિટેઇન કરવામાં આવ્યું છે.જો કે, આશ્ચર્ય એ વાતનું છે કે બે દિવસ પૂર્વે આવા જ એક માતેલા સાંઢ જેવા હેવી ડમ્પર ચાલકે આરટીઓ કચેરી નજીક જ રોડ ઉપર પથ્થરનો ઢગલો કરી દીધો હતો આમ છતાં પણ હપ્તાવૃત્તિમાં ગળાડૂબ આરટીઓ તંત્ર દ્વારા સીસીટીવી મારફતે તપાસ કરી આવા બેફામતત્વો સામે પગલાં લેવાનું માંડી વાળી માત્ર નોટ બનાવવામાં જ રસ હોય તેમ અલગ-અલગ આરટીઓ કર્મચારી – અધિકારી ફોલ્ડરિયા મારફતે રોકડી કરવામાં જ વ્યસ્ત જોવા મળી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide