હળવદ તાલુકામાં ૯૦ દૂધ મંડળી કાર્યરત, વર્ષ ૨૦૧૯-૨૦માં સરેરાશ દરરોજનું ૬૦ હજાર લીટર દૂધનું ઉત્પાદન થયું
હળવદ : તાજેતરમાં મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ નો તાજેતરમાં જ જીલ્લાના દૂધ ઉત્પાદકોને ૧૬.૫૧ કરોડ રૂપિયાનો ભાવ ફેર આપ્યો છે. જેમાં હળવદ તાલુકા એકમા જ ૭.૬૬ રોડ રૂપિયા જેટલો ભાવફેર દૂધ ઉત્પાદકોને ચૂકવાયો છે. જે હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં આશીર્વાદરૂપ સાબિત થયો છે
આમ તો હળવદ તાલુકો જ્યારે સુરેન્દ્રનગર દૂધ સંઘ સાથે સંકળાયેલો હતો. ત્યારે પણ હળવદ તાલુકો દૂધ ઉત્પાદનમાં અને દૂધની ગુણવત્તામાં હંમેશા અગ્રેસર રહ્યો છે. ત્યારબાદ હળવદ તાલુકાને મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડવામાં આવ્યો હતો. જેમાં પણ ટંકારા, વાંકાનેર, મોરબી, માળીયામાં જેટલું દૂધ ઉત્પાદન થાય છે. એટલું તો એકમાત્ર હળવદ તાલુકામાં જ થાય છે. સાથે અહીં જે દૂધ ઉત્પાદન થાય છે. તે ગુણવત્તામાં પણ હંમેશાં મોખરે રહે છે. હળવદ તાલુકામાં કુલ ૯૦ દૂધ મંડળીઓ આવેલી છે. જેમાં ૪૧ મહિલાઓ સંચાલિત દૂધ મંડળીઓ કાર્યરત છે. જ્યારે ૪૯ જનરલ છે. હળવદ તાલુકામાં ૧૫,૩૪૦ દૂધ ઉત્પાદકો દરરોજનુ ૬૦ હજાર લિટરથી વધુ દૂધનું ઉત્પાદન કરે છે.
ત્યારે મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ મયુર ડેરી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦માં દૂધ ભાવ ફેર ચૂકવ્યો છે. સાથે જ આ વર્ષે સરેરાશ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના ૭૪૫ રૂપિયા લેખે પણ ભાવ ચુકવ્યો છે. વધુમાં, મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ખાસ કરીને જે હાલ દેશ આખો કોરોનાની મહામારીમાં સપડાયેલો છે. ત્યારે આવા સમયે મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા જિલ્લાના પશુપાલકોને દૂધનો ભાવ ફેર ચૂકવ્યો છે. તે ખરેખર પશુપાલકોને આશીર્વાદ સમો સાબિત થયો છે. ખાસ કરીને હળવદ તાલુકો તો હંમેશા દૂધ ઉત્પાદનમાં અને દૂધની ગુણવત્તામાં પ્રથમ જ રહ્યો છે.
મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા હળવદના નરેન્દ્રસિંહ રાણા લોકડાઉનમાં પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો વધુ સારો આર્થિક ટેકો આપવા માટે સક્રિય રહ્યા છે અને તેમણે હળવદના પશુપાલકોને દૂધમાં સારો ભાવ અપાવવામાં પણ નોંધનીય કામગીરી કરી હતી. જો કે મોરબી જિલ્લામાં હળવદ તાલુકો ખેતીની સાથે દૂધ ઉત્પાદનમાં પણ મોખરે છે. ત્યારે દૂધ ઉત્પાદકોને સારો અને યોગ્ય ભાવ મળે તે જરૂરી છે. આથી, આ દિશામાં તેમણે પહેલ કરી હતી અને પશુપાલકોને સારો ભાવ ફેર મળતા તેમનો આભાર માનેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide