મોરબીના ગ્રીન ચોકમા આવેલ કુબેરનાથ મંદિરનો 500 વર્ષ પુરાણો રસપ્રદ ઇતિહાસ

0
120
/
કુબેરનાથ મંદિરમાં 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે.

મોરબી : મોરબી શહેરની મધ્યે ગ્રીનચોક વિસ્તારમાં આવેલું ભગવાન ભોળાનાથનું કુબેરનાથ મંદિર અલૌકિક છે. પાંચ સદીઓ પુરાણું કુબેરનાથ મંદિર શિવભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં નિયમિત પૂજા અર્ચના આરતી થાય છે. જો કે હવે કોરોનાના કહેર વચ્ચે આ મંદિર ખુલ્યા બાદ ભક્તો સંક્રમિત ન થાય તે માટે મંદિરમાં જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. મંદિરમાં સવાર સાંજની આરતી બંધ છે. ઘંટનો ટકોરો પણ કાઢી નાખવામાં આવ્યો છે. એટલે માત્ર ભક્તો ભોળનાથ દર્શન જ કરી શકે છે. હાલ શ્રાવણ માસમાં શિવ ભક્તો કુબેરનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

કુબેરનાથ મંદિર પુરાતન દ્રષ્ટિએ ભારે મહત્વ ધરાવે છે. સ્થાપત્ય કળાની બેનમૂન કળાથી આખું મંદિર મઢેલું છે. મંદિરનું ગર્ભદ્વાર ચાંદીથી મઢાયેલું છે. રાજવી કાળના તત્કાલીન મહારાજ લખધીરજીના સમયગાળા દરમિયાન કુબેરનાથ મંદિર સ્થપાયું હતું. મંદિરનો ઇતિહાસ રસપ્રદ છે. અહીં રાજવી કાળમાં રાજા મહારાજા ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવતા હતા. મંદિર પાસે વર્ષો પહેલા જીવરાજભાઈ મહેતાએ વાવનુ નિર્માણ કર્યું હતું. મોરબીમાં બહારગામના કોઈપણ પ્રવાસી આવે તો પહેલા વાવમાં સ્નાન કરીને ભગવાન ભોળાનાથના દર્શન કરીને જ મોરબી શહેરની લટાર મારતા હતા. આ મંદિરની વચ્ચે બંધાયેલી વાવ પણ ઐતિહાસિક છે. જો કે આ મંદિર 16 સ્તંભોની બે ઐતિહાસિક યજ્ઞશાળાઓ આવેલી છે. જે ગુજરાત આખામાં એક જામનગર અને બીજી મોરબીમાં છે. ઉપરાંત, આ મંદિરમાં બીજા અનેક દેવી દેવતાઓની મૂર્તિઓનું સ્થાપન કરાયું છે.

કુબેરનાથ મંદિરમાં વર્ષોથી ભગવાન ભોળાનાથની સેવા પૂજા તથા ડાકડમરું સાથે આરતી થતી હતી. પણ હવે કોરોનાને કારણે તેમાં બ્રેક લાગી છે. તેમજ શ્રવણ માસમાં ભક્તો શિવલિંગ પર બીલીપત્રો તથા દુગ્ધાભિષેક કરીને શિવની આરાધના કરે છે. સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ભીડ રહે છે. તેમાંય શ્રાવણ માસમાં કુબેરનાથ મંદિરમાં ભક્તોની ભીડ ખુબ જ જામે છે. લોકો કુબેરનાથ દાદા તરીકે સંબોધન કરે છે ભગવાન શિવ પ્રત્યે ભક્તોમાં શ્રધ્ધા વિશેષ હોવાથી તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેવો ભક્તોને અડગ વિશ્વાસ છે.

ભક્તો કહે છે કે કુબેરનાથ દાદાને સાચી લાગણીથી પ્રાર્થના કરાય તો તમામ દુઃખ દર્દો દૂર થાય છે. એક બહેનને પેરાલિસિસનો એટેક આવ્યો હતો. તેઓ બચી શકે તેમ ન હતા પરંતુ તેમણે કુબેરનાથ દાદાને પ્રાર્થના કરી કે તેઓ નિયમિત તેમની સેવા પૂજા કરવા આવશે અને આ સાચા દિલથી કરેલી પ્રાર્થના તેને ફળી હતી અને ચાર-પાંચ દિવસમાં તેઓ સાજાનરવા થઇ ગયા હતા. તેમજ એક ભાઈની સગાઇ થતી ન હતી. પણ તેણે ભગવાન ભોળનાથની મનોકામના માની એ પછી એમની સગાઈ થઈ ગઈ હતી અને હવે તેઓ સુખેથી જીવન વિતાવે છે. આ વાતને વૈજ્ઞાનિક અને રેશ્નાલીસ્ટો ભલે હાસ્યાસ્પદ ગણાવતા હોય છે, પરંતુ જે લોકોને ભગવાન માં અતૂટ શ્રધ્ધા હોય છે તેમની વાત જ નિરાળી હોય છે. એટલે જ તો કહેવાય છે કે જ્યાં શ્રધ્ધા હોય ત્યાં શંકાને લેશ માત્ર સ્થાન નથી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

કુબેરનાથ મંદિર શહેરના ભાવિકો માટે આસ્થાનું પ્રતીક છે. કુબેરનાથના મંદિરની બાજુમાં આવેલી પૌરાણિક વાવને હેરિટેજમાં સ્થાન તો આપવામાં આવ્યું છે પરંતુ તેની જાળવણીના અભાવે નામશેષ થવાના કગાર પર પહોંચી છે. ત્યારે સરકારે આવા ઐતિહાસિક સ્થળોને માત્ર હેરિટેજ બનાવવાની સાથે તેની જાળવણી અને વિકાસ કરવો પણ જરૂરી છે. તેથી, આવા ઐતિહાસિક સ્થળોનું મૂલ્ય જળવાઈ રહેશે. હાલ કોરોના કાળમાં પણ ભક્તો ભોળનાથના દર્શન કરવાનું ચૂકતા નથી. સવારે કોઈપણ કામે ઘરેથી નીકળ્યા હોય તો ભક્તો પહેલા ભોળનાથના દર્શન કરે છે અને સાંજે પરત આવતી વખતે પણ ભક્તો ભોળનાથના દર્શન કરીને જ ઘરે જાય છે. કોરોનાની મહામરીમાંથી ભોળનાથ જ ઉગારી શકશે એવી ભક્તોને અતૂટ શ્રદ્ધા છે અને હાલ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો કુબેરનાથ મંદિરમાં દર્શન કરીને ભોળનાથ ત્રીજું નેત્ર ખોલીને કાળમુખા કોરોનો સર્વનાશ કરે તેવી સૌ પ્રાર્થના કરી રહ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/