મોરબી : મોરબી શહેરની કરોડરજ્જુ ગણાતા અને નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરવા છતાં ઔદ્યોગિક વિસ્તારમાં લાતીપ્લોટમાં તંત્રએ સુવિધાઓ આપવામાં કાયમ માટે ઘોર ઉપેક્ષા દાખવી છે. જેને કારણે લાતીપ્લોટ વિસ્તાર વર્ષોથી અનેક દુવિધાઓથી પીડાય રહ્યો છે. આ વિસ્તારમાં સમસ્યાઓનો પાર રહ્યો નથી. હાલ લાતીપ્લોટ વિસ્તાર ગટરના ગંદા પાણી બેહાલ છે અને ગટરનું ચોમાસુ કાયમી રહેતું હોય લોકોને આવન જાવનમાં મુશ્કેલી પડી રહી છે.
મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-5માં આવેલ ટ્રાન્સપોર્ટની કંપનીમાં કામ કરતા કર્મચારી પંકજભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેમની શેરીમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થયા કરે છે. તેથી આ લાતીપ્લોટની આખી શેરી જાણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોય એટલી હદે ગંદા પાણીના સરોવર ભરાયા છે. લાતીપ્લોટની આખી શેરી ગટરની ગંદકીથી તરબોળ થવાથી લઘુ ઉધોગકારોને ભારે મુસીબત વેઠવી છે. આ શેરીની બાજુમાં આવેલી હોસ્ટેલનું ગંદુ પાણી અહીં ઉભરાય છે. ભૂગર્ભ ગટરમાં આડેધડ કનેક્શન દેવાને કારણે અહીં ગટર ઉભરાતા બારેમાસ વગર વરસાદે ચોમાસા જેવી કપરી પરિસ્થિતિ સર્જાય છે. આ શેરીમાં ટ્રાન્સપોર્ટ, ફ્રેબીકેશન સહિતના ઉધોગ ધંધા આવેલા હોય નદીના જેમ ગટરના ગંદા પાણી વહેતા હોવાથી આ ધંધાના માલનું પરિવહન કરવામાં ભારે મુશ્કેલી થાય છે. આ ગટર પ્રશ્ને નગરપાલિકાને અનેક રજુઆત કરવા છતાં આજદિન સુધી ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લઘુ ઉધોગકારોમાં રોષ વ્યાપી ગયો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide