આ પહેલા પણ પાલિકા તંત્રને રજુઆત કર્યા છતાં કોઈ કાર્યવાહી ન થતા ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવા ફરી રજુઆત કરાઈ
મોરબી : હાલ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર 6 માં સીસીરોડ બનાવવા માટે આખો રોડ ખોદી નાખ્યા બાદ રોડનું કામ અધૂરું છોડી દેવાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં રોડ ખોદાઈ જવાથી તેમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ચોમાસુ નજીક આવતા આ હાલાકી બેવડાઈ જવાની ભીતિ છે. આ મામલે સ્થાનિકોએ અગાઉ પાલિકા તંત્રને રજુઆત કર્યા છતાં કોઈ.કાર્યવાહી ન થતા ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવા ફરી રજુઆત કરી છે.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ શેરી નંબર 6માં રહેતા લોકોએ પાલિકાના ચીફ ઓફિસર અને કલેક્ટરને રજુઆત કરી હતી કે, તેમની શેરીમાં અગાઉ આ સી.સી. રોડ બનાવવા માટે જેસીબી દ્વારા પ્રથમ આખી શેરી ખોદી નાખવામાં આવી હતી. આ શેરીમાં છેલ્લા ત્રણ માસથી રોડ ખોદી નાખ્યા બાદ હજુ સુધી રોડનું કામ કરવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. શેરીમાં રોડ બનાવવા માટે કપચીના ઢગલા પણ કરી નાખ્યા છે પરંતુ હજુ સુધી ના તો કપચી પાથરવામાં આવી છે, ના તો રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. હમણા થોડા દિવસ પહેલા તો તે વાવાઝોડામાં પડેલ વરસાદના કારણે આ શેરીમાં પુષ્કળ પ્રમાણમાં કીચડ થયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, આ ખોદાયેલી શેરીના કારણે પાણી પણ ખૂબજ ભરાઈ ગયા હતાં. ટૂંક સમયમાં ચોમાસુ શરૂ થવાનું હોય સ્થાનિકોને વધુ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહેલામાં વહેલી તકે તેમની શેરીમાં મંજૂર થયેલ અને ખોદાયેલ શેરીમાં રોડનું કામ પૂરૂ કરી આપવા તેમજ આજે ત્રણ માસ વિતવા છતાં હજુ સુધી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ નથી. તો તાકીદે આ રોડનું કામ ચાલુ કરી ચોમાસા પહેલા પૂર્ણ કરી આપવાની સ્થાનિકોએ માંગ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide