ચૂંટણી વખતે નિયમિત અને હવે અનિયમિત પાણી વિતરણ થતું હોવાનો મહિલાઓએ બળાપો પણ ઠાલવ્યો
મોરબી : હાલ મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડની સોસાયટીમાં પાણી વિતરણમાં ધાંધિયાથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ આજે નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો અને પાલિકા તંત્ર સમક્ષ તેમના વિસ્તારમાં એક વર્ષથી પીવાના પાણીનું અનિયમિત વિતરણ થતું હોય પણ હમણાં ચૂંટણી વખતે ફૂલ ફોર્સથી પાણી આવતું હોય અને હવે ચૂંટણી પુરી થઈ જતા ફરી પાણીની મોકાણ સર્જાઈ હોવાનો મહિલાઓએ બળાપો ઠાલવ્યો હતો. આથી, તેમની સોસાયટીમાં નિયમિતપણે પૂરતું પાણી આપવાની માંગ કરી હતી.
મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર આવેલ સાંઈરામ સોસાયટીમાં પાણી વિતરણમાં ધાંધિયા મામલે આ વિસ્તારની મહિલાઓનું ટોળું આજે રજુઆત કરવા પાલિકા કચેરીએ દોડી ગયું હતું. આ મહિલાઓએ રોષ સાથે પાલિકા તંત્રને રજુઆત કરી હતી કે તેમની સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી નિયમિત રીતે પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીના કોઈ ઠેકાણા જ નથી. જેમાં દશ કે પંદર દિવસે પાણી આવે છે. આવા સંજોગોમાં હમણાં વિધાનસભાની પેટા ચૂંટણી સમયે આ સોસાયટીમાં એકદમ ફૂલ ફોર્સથી પાણી આવતું હતું. પણ જેવી ચૂંટણી પુરી થઈ કે તરત જ ફરી પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. ફરી હવે દશ કે પંદર દિવસે પાણી આવે છે.
પાણીની અનિયમિતતતાને કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી, મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ એવો અણીયારો સવાલ કર્યો હતો કે જો ચૂંટણી સમયે નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આવે તો રેગ્યુલર દિવસોમાં નિયમિત પાણી કેમ ન આવી શકે? ઘણી વખત મોડીરાત્રે પાણી વિતરણ કરવામાં આવે છે. આથી, લોકો સુતા હોય પાણીથી વંચિત રહી જાય છે. પાણીના ધાંધિયાથી આ સોસાયટીના લોકોને વેચાતું પાણી મંગાવું પડે છે અને દરરોજ પાણીના ટાંકા મંગાવી હાલ પાણીની જરૂરિયાત સંતોષે છે. પણ આ પાણી મોંઘુ પડતું હોવાથી સ્થાનિક લોકો પરેશાન થઈ ગયેલ છે.
આ બાબતે અગાઉ રજુઆત કરી હોવા છતાં પાણીની સમસ્યા હલ ન થતા ફરી રજુઆત કરીને પાણી પ્રશ્નનું યોગ્ય રીતે કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓણસોલ મેઘરાજાએ ભરપૂર મહેર કરી છે અને જળભંડારો અખૂટ ભરેલા છે. પણ તંત્રના અણઘડ પાણી વિતરણના આયોજનથી લોકોને છતે પાણીએ વલખા મારવાની નોબત આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide