ઝૂલતાપુલની બન્ને સાઈડની જારી પણ તૂટી ગઈ, હાલક ડોલક સ્થિતિને કારણે જાનહાનીની દહેશત
મોરબી : મોરબીની ઐતિહાસિક વિરાસત અને જાજરમાન વૈભવ ધરાવતા ઝૂલતાપુલની હાલત એટલી હદે નાજુક હાલત છે કે, ઝૂલતાપુલની રોમાંચક સફર નહિ પણ મોતની સફર બની રહે તેવી કપરી પરિસ્થિતિ છે. ઝૂલતાપુલના પાટિયા ઉખડતા નીચે ખાબકવાનો ભય ઝળુંબી રહ્યો છે. આ ઉપરાંત ઝૂલતાપુલની બન્ને સાઈડની જારીઓ પણ તૂટી ગઈ છે. એટલે ઝૂલતાપૂલની હાલક ડોલક સ્થિતિ થઈ ગઈ હોય ગમે ત્યારે દુર્ઘટના સર્જાઈ તેમ છે.
મોરબીની આન, બાન અને શાન ગણાતા અને 133 વર્ષ જુના ઝૂલતાપૂલને 2001ના ભૂકંપમાં કારમી થપાટ પહોંચી હતી. તે સમયે ઓરવે કંપનીએ આ ઝૂલતાપુલને હસ્તગત કરી રીનોવેટ કરીને 2006માં ફરી ચાલુ કર્યો હતો. ત્યારે હવે ફરી આ ઝૂલતોપુલ જર્જરિત થઈ ગયો છે. આ પુલની હાલત એટલી બધી ખરાબ છે કે, પુલ નીચેના અમુક પાટિયા બેન્ડ વળી ગયા છે તો અમુક પાટોયા ઉખડી ગયા છે. તેમજ ઘણા પાટિયા ઉપસી ગયા છે.જેથી લપસણું થઈ જતા પુલ ઉપર માંડ એક વ્યક્તિ ચાલી શકે તેવી સ્થિતિ છે. પુલના પાટિયા ઉખડી જતા લોકો સીધા નીચે મચ્છુ નદીમાં ખાબકે તેમ છે. પુલની બન્ને સાઈડની જારી પણ તૂટી જતા પુલ ઉપર અવરજવર કરવી જોખમી બની રહે તેમ છે.
દેશના અન્ય ભાગો કે વિદેશના ઘણા બધા નાગરિકો મોટાભાગે મોરબીના ઝૂલતાપુલ ઉપર રોમાંચક સફર માણવા માટે આવે છે. તેમજ મોરબી અને આસપાસના લોકો પણ આ પુલ ઉપર વારે તહેવાર હરવા ફરવાની મોજ માણે છે. પરંતુ ઝૂલતાપુલની હાલત ખરાબ હોય આવા લોકોની ઝૂલતાપૂલ ઉપર હરવા ફરવાની આશા અધુરી રહી જાય છે. જો કે વચ્ચે રિપેરીગ કરીને ગાંડું ગબડાવ્યું હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી આ પુલનું રીનોવેશન કાર્ય પાલિકા અને સંચાલક સંસ્થા વચ્ચે લટકતું રહ્યું છે. આ પુલનું સંચાલન કરતી સંસ્થાએ પુલના રીનોવેટ માટે કરોડોનો ખર્ચ કરવો પડે તેમ હોય પુલની અવરજવરના ભાવમાં વધારો કરવા માટે કલેકટરની પરવાનગી લેવા રજુઆત કરી હતી. પણ કલેકટરે પાલિકા ઉપર જવાબદારી ઢોળી છે. પરંતુ નગરપાલિકાએ ભાવવધારાની ના પાડતા આ કામ ગુંચવાયું છે. જો કે મુદત પૂરી થવા છતાં હાલ ઓરેવા પાસે આ પુલનું સંચાલન છે.ઝૂલતા પુલ અંગે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કહ્યું હતું કે, નગરપાલિકાના આગામી જનરલ બોર્ડમાં ઝૂલતાપૂલને પાલિકા હસ્તક લેવા માટેનો ઠરાવ કરાશે અને લોકોને ઝૂલતાપુલમાં સારી સુવિધાઓ મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. પરંતુ એક વર્ષથી ઝૂલતાપુલનું જે રીનોવેશન કાર્ય લટકી રહ્યું છે.ત્યારે ફરીથી પાલિકા આ પુલને હસ્તક લઈ રીનોવેટ કરશે કે કેમ તે જોવું રહ્યું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide