[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી નગરપાલિકા કચેરી તરફથી વાહનકર ચૂકવવા અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસને રદ કરવા મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ગત તા. 21-11-2024ના રોજ મોરબી નગરપાલિકા કચેરી તરફથી મોરબી શહેરની જનતાને અંધારામાં રાખી ગુજરાત મ્યુનિસિપલ એક્ટ – 1963ની કલમ -101 અન્વયે વાહનકર ચૂકવવા અંગેની જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવેલી છે. જે નોટિસમાં જણાવ્યા પ્રમાણે મોરબી નગરપાલિકાની હદમાં રહેતા લોકો કોઈ પણ પ્રકારનું વાહન ખરીદી કરે તો 3 % થી 7 % સુધીનો વાહનકર વસુલવામાં આવશે. હજુ મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળેલ નથી. લોકોને પ્રાથમિક સુવિધા પણ મળી નથી. મસમોટા ભ્રષ્ટાચારોથી નગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે. મોરબી ઉદ્યોગોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. શું મોરબીની આવી પરિસ્થિતિથી આપ વાકેફ નથી. આવી પરિસ્થિતિમાં લોકોને પડ્યા પર પાટું મારવાના પ્રયાસો આપના તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.આ વાહનકર ચુકવવાની નોટિસ પ્રસિધ્ધ કરતા પહેલા ભ્રષ્ટ તંત્રની બેદરકારીના કારણે પડી ભાંગેલ મોરબીના વિસ્તારોની મુલાકાત લીધેલી કે કેમ ? કે પછી મોરબી નગરપાલિકાની તિજોરીમાં કાંઈ બચેલ નથી એટલે લોકોને જાણી જોઈને લૂંટી લેવાના એકમાત્ર આશયથી પ્રજાને અંધારામાં રાખી વાહનકર ચૂકવવા અંગે જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવી છે. ત્યારે આ જાહેર નોટિસનો અણગમો વ્યક્ત કરતા પ્રજાવતી તાત્કાલિક ધોરણે આ નોટિસ રદ્દ કરવા માંગ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide