મોરબી એસટી ડેપો મેનેજરની ઘોર બેદરકારીના પાપે 12 નાઈટ રૂટ રદ્

0
118
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રાજકોટ ડિવિઝનલ કંટ્રોલર ગઈકાલે કડક સૂચના આપીને ગયા અને મોરબીના ડેપો મેનેજર સૂચના ઘોળીને પી ગયા : કંડકટરના વાંકે અંબાજી અને કવાંટ રૂટની બસ ચારથી પાંચ કલાક લેઈટ ઉપડી

મોરબી : હાલ અંધેર નગરી અને ગંડું રાજા કહેવતને સાર્થક કરે તેવા મોરબી એસટી ડેપોમાં ખુદ ડેપો મેનેજર ફરજ ઉપર નિયમિત હાજર રહેતા ન હોવાથી ગઈકાલે રાજકોટ ડિવિઝન કંટ્રોલર ખુદ મોરબી દોડી આવી અનિયમિતતા દૂર કરી તમામ રૂટ નિયમિત ઉપડે તે જોવા તાકીદ કરીને ગયાની ગણતરીની કલાકોમાં જ મોરબી ડેપોથી ઉપડતી અંબાજી અને કવાંટ રૂટની બે બસ ચારથી પાંચ કલાક લેઈટ ઉપડવાની સાથે આજે મોરબી ડેપોના 12 – 12 નાઈટ રૂટ રદ્દ કરવા પડતા ડેપો મેનેજરની ઘોર બેદરકારી સામે આવી છે.

ગુરુ ગયા ગોકળ અને વાંહે થઈ મોકળ… શેઠની શિખામણ ઝાંપા સુધી… જેવી કહેવત મોરબી એસટી ડેપોના મેનેજર માટે બરાબર બંધ બેસતી સાબિત થઈ રહી હોય તેવી પ્રતીતિ આજે મુસાફરોને થવા પામી હતી. મોરબી એસટી ડેપો મેનેજર અને તેમનો સ્ટાફ ફરજ ઉપર નિયમિત હાજર રહેતો ન હોવાની તેમજ અન્ય બાબતોને લઈ ગઈકાલે રાજકોટ એસટીના ડિવિઝનલ કંટ્રોલર મોરબી દોડી આવ્યા હતા. મોરબી મુલાકાત દરમિયાન મોરબી ડેપો મેનેજરને તમામ રૂટ નિયમિત ચલાવવા અને સમયસર ડેપોમાં હાજર રહેવા તાકીદ કરવા છતાં ડિવિઝન કંટ્રોલરની મુલાકાતના 24 કલાકમાં જ આજે સવારે 7.30 વાગ્યે ઉપડતી મોરબી કવાંટ રૂટની બસ કંડકટર ન હોવાને કારણે 10.30 વાગ્યા બાદ ઉપડી હતી અને ડેપો મેનેજર મહાશય કે અન્ય જવાબદાર કર્મચારી હાજર ન હોય આ બસમાં ટીકીટ બુક કરાવનાર મુસાફરોને રઝળપાટ કરવી પડી હતી.

આ જ રીતે આજે મોરબી અંબાજી રૂટની બસમાં પણ કંડકટર હાજર ન હોય ચાર કલાક જેટલો સમય મુસાફરોને રઝળપાટ કરાવ્યા બાદ એક્સપ્રેસ બસને ઉપાડવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે મોરબી ડેપોમાં ડ્યુટી લિસ્ટ બનાવતા બે જવાબદાર અધિકારીના કારણે આજે મોરબી ડેપોની 12 નાઈટ આઉટ રૂટની બસ ડ્રાઇવરોને કારણે ઉપડી ન શકતા અંતરિયાળ ગામડાના મુસાફરોને હાલાકીનો ભોગ બનવું પડ્યું હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.

ચોકાવનારી બાબત તો એ છે કે, આજે વસંત પંચમીનો દિવસ હોવાથી લગ્નગાળાના ભરપૂર ટ્રાફિક વચ્ચે પણ મોરબી ડેપોમાં ડ્યુટી લીસ્ટમાં આશરે 91 જેટલા ડ્રાઈવરમાંથી 14 જેટલા ડ્રાઈવરનાં ઓફ હતા તો 24 જેટલા ડ્રાઈવર રજામાં હોવાથી 37 જેટલા ડ્રાઈવર રજા ઉપર હોવાની સાથે સાથે આજ રીતે કન્ડક્ટર પણ રજામાં હોય આગોતરા આયોજનના અભાવે અનેક મુસાફરો રઝળી પડયા હતા છતાં પણ ડેપો મનેજર કે વિભાગીય નિયામકના પેટનું પાણી પણ હલ્યું ન હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/