મોરબી : આગામી તારીખ 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી મોરબી જિલ્લાભરમાં નવરાત્રિનો પર્વ ઉજવાશે. સાથો સાથ વિજ્યા દશમીની પણ ધામધૂમથી ઉજવણી થનાર છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શક્તિની આરાધનાનો આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.
આ અંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં કોમર્શિયલ અને શેરી ગરબા મળીને નાના મોટા કુલ 571 નવરાત્રિના આયોજનો થઈ રહ્યા છે. આ તમામ જગ્યાએ બંદોબસ્તને પહોંચી વળવા માટે 3 ડીવાયએસપી, 16 પીઆઈ, 22 પીએસઆઈ અને 530 જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે સુરક્ષામાં તહેનાત રહેશે. ખાસ કરીને ટ્રાફિક અને રાત્રિ દરમિયાન મહિલાઓને કોઈ તકલીફ ઉભી ન થાય તે માટે તકેદારી રખાશે. પેટ્રોલિંગ માટે વાહન ફરશે જેમાં ચાર પોલીસકર્મીઓ હાજર રહેશે. 50 ટ્રાફિક જવાનો ટ્રાફિક મેનેજમેન્ટ માટે ફરજ બજાવશે. આ તમામ પોલીસકર્મીઓ પાસે નશાખોરોને પકડવા માટે કુલ 34 બ્રિધ એનેલાઈઝર હશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે મહિલા અને પુરુષ પોલીસકર્મીઓ ગુપ્ત રીતે જુદી જુદી જગ્યાએ ખેલૈયાના પહેરવેશમાં વોચ રાખશે. નેત્રમ અંતર્ગત 120 જેટલા સીસીટીવીથી વોચ રાખવામાં આવશે. રોમિયોને પકડવા માટે 3 એન્ટી રોમિયો સ્ક્વોડ પણ ખડેપગે રહેશે. આ ઉપરાંત બ્લેક ફિલ્મવાળા વાહનો, મોડિફાઈડ સાયલેન્સર અને નંબર પ્લેટ વગરના વાહનો પર નવરાત્રિ દરમિયાન ખાસ વોચ રાખવામાં આવશે અને કડક કાર્યવાહી કરાશે. કોઈ વ્યક્તિને આવા વાહનો દેખાય તો ફોટો પાડીને મોરબી પોલીસને મોકલવા જણાવાયું છે. 25 ટીમો જે વાહન સાથે રહેશે તે દર બે કલાકે પોતાનું સ્થાન બદલશે. 9 જેટલી શી ટીમ પણ તહેનાત રહેશે. 10 ટીમો સોશિયલ મીડિયા મોનિટરીંગની રહેશે. મોરબીની જનતાને કોઈપણ મદદની જરૂર હોય તો 112 હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરે. મોરબી જિલ્લાના તમામ નવરાત્રિના આયોજકો અને શાંતિ સમિતિ સાથે પોલીસે મીટિંગ કરી છે.
નવરાત્રિના આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે અને પાર્કિંગમાં લાઈટિંગની વ્યવસ્થા રાખવી પડશે તેમ મોરબી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે. દશેરાના દિવસે સભા સરઘસ નીકળે છે અને રાવણ દહનનું આયોજન કરાય છે ત્યારે તે તમામ આયોજકો સાથે મીટિંગ કરી લેવામાં આવી છે. દશેરાના દિવસે 320 પોલીસ અધિકારી/કર્મચારીઓ ખડેપગે રહેશે. લાયસન્સમાં લખેલી તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
