મોરબી : હાલ આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ સાથે સાથે સોમવતી અમાસનો પણ સંયોગ સર્જાતા શિવભક્તોઓએ શિવભક્તિની આહલેક જગાવી હતી. જેમાં આજે સોમવતી અમાસ નિમિત્તે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પવિત્ર કુંડમાં ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કર્યું હતું. તેમજ અનેક શિવભક્તો આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે અને સોમવતી અમાસ નિમિતે શિવાલયોમાં ઉમટી પડી ભગવાન ભોળાનાથની આરાધના કરી પરિવાર સહિત સમગ્ર વિશ્વમાં લોકકલ્યાણની કામના કરી હતી.
આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને છેલ્લો સોમવારનો અદભુત સંયોગ રચાયો છે. આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા છે. જેમાં સોમવારે જ શ્રાવણ માસ શરૂ થયો હોય અને સોમવારે શ્રાવણ માસ પૂરો થયો હોય તેમજ ઘણા વર્ષો પછી આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે અને સોમવારે સોમવતી અમાસ આવી છે. આથી આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે અને આખરી સોમવારે તેમજ સોમવતી અમાસનો ત્રિવેણી સંગમ સર્જાતા શિવભક્તો આજે શિવાલયોમાં ઉમટી પડ્યા હતા.
મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે લોકો ઉમટી પડ્યા હતા અને સોમવતી અમાસ નિમિતે લોકોએ શ્રદ્ધાભેર પિતૃતર્પણ કરીને ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા. આ ઉપરાંત જંગલેશ્વર મહાદેવ મંદિર, શોભેશ્વર મહાદેવ મંદિર, અગનેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ ખાતે નીલકંઠ મહાદેવ મંદિર, વાંકાનેર નજીક આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીના સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ વિસ્તારમાં આવેલા નાના મોટા શિવાલયોમાં ભક્તો ઉમટી પડીને શિવદર્શનનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. જો કે ઘણા શિવભક્તોએ આખો શ્રાવણ માસ એકટાણા-ઉપવાસ કરી તેમજ નિયત શિવ દર્શન કરીને શિવજીની ઉપાસના કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide