12794 મતદારો ધરાવતી રવાપર ગ્રામ પંચાયતના 16 વોર્ડમાં ઉમેદવારોનો રાફડો : રિયલ એસ્ટેટ હબ ગણાતા રવાપરના સરપંચ બનવા નેતાઓ તલપાપડ
મોરબી : હાલમાં મોરબી જિલ્લાની સૌથી મોટી ગણાતી અને રિયલ એસ્ટેટ હબ સમાન રવાપર ગ્રામ પંચાયત માટે વિધાનસભા જેવો ચૂંટણી માહોલ સર્જાયો છે. મતદારોને મનાવવા દરરોજ સાંજ ઢળે ભજીયા પાર્ટી સહિત ખાણીપીણીના આયોજન સાથે ઠેક-ઠેકાણે કાર્યાલયો ખુલ્લા મૂકી ધનની કોથળી છૂટી મૂકી હોર્ડિંગ, બેનરો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કીટલી, કાતર, ઘડા જેવા ચૂંટણી ચિન્હોને વિજયી બનાવવા ઉમેદવારો એડીચોટીની તાકાત લગાવી રહ્યા છે.
આગામી તા.19ના રોજ યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઇ સમગ્ર મોરબી જિલ્લામાં ગ્રામીણ રાજકારણ ગરમાયુ છે ત્યારે મોરબી જિલ્લાની સૌથી મોટી એટલે કે 12794 મતદાર ધરાવતી રવાપર ગ્રામ પંચાયત કબ્જે કરવા કીટલી,કાતર, ઘડો, સિલાઈ મશીન, ઈસ્ત્રી, પ્રેસર કુકર સહિતના ચૂંટણી ચિન્હો સાથે સરપંચ અને સભ્ય બનવા થનગનતા યુવાઓ અને પાકા રાજકારણીઓ પણ મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને રવાપર ગ્રામ પંચાયત હેઠળ 6550બ પુરુષ અને 6244 મહિલા મતદારો નોંધાયેલા છે અને મોટાભાગના મતદારો યુવા અને શિક્ષિત હોય પ્રતિષ્ઠા ભર્યા આ ચૂંટણી જંગમાં કોને ઉગારે છે અને કોને ડુબાડે છે તે આવનાર સમયમાં નક્કી થશે.
મોરબીના મોટાભાગના પોશ વિસ્તાર અને સીરામીક ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાં જ રહેતા હોવા ઉપરાંત શહેરની ભાગોળે આવેલ રવાપર રિયલ એસ્ટેટનું પણ હબ ગણાતું હોય સરપંચ અને સભ્યોનો મોભો કંઈક અલગ જ હોય ચૂંટણી જાહેર થયા પૂર્વે જ અનેક સ્થાનિક આગેવાનો દ્વારા પ્રચારકાર્ય અને સેવાકાર્ય પણ શરૂ કરી મતદારોના મન જીતવા આગોતરી તૈયારી કરી લીધી હતી. ત્યારે હાલમાં મોટાભાગના વોર્ડ અને સરપંચ પદ માટે ત્રણથી ચાર કે તેથી પણ વધુ ઉમેદવારો મેદાને હોય ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે.
નોંધનીય છે કે, મોરબીની ભાગોળે આવેલા અને મોરબીના જ અભિન્ન અંગ ગણાતા રવાપરમા મતદારોને મનાવવા સામાન્ય ગ્રામ પંચાયતોથી જરા હટકે અલગ-અલગ વિસ્તાર મુજબ ચૂંટણી કાર્યાલય પણ ખુલી ગયા છે અને હોર્ડિંગ, બેનરો અને સોશિયલ મીડિયામાં જોરશોરથી પ્રચાર ઉપરાંત મતદારોને રાજી કરવા ભજીયા,ગાંઠિયા,તાવા ઉપરાંત કહાની-પીણીની પાર્ટીઓ માટે પણ લખલૂંટ ખર્ચાઓ થઇ રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide