ઓવરબ્રિજના સર્વિસ રોડ મામલે શનિવાર સુધીનું અલ્ટીમેટમ અપાતા કોન્ટ્રાકટરને રેલો આવ્યો
ટંકારા : હાલ રાજકોટ મોરબી હાઇવે ઉપર દરરોજ હજારો વાહનો પસાર થતા હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા ઘોર બેદરકારી દાખવી ટંકારા અને મિતાણા ઓવરબ્રિજના કામમાં ડામર વાળો સર્વિસ રોડ બનાવવાને બદલે માટીનો સર્વિસ રોડ યથાવત રાખતા આ મામલે જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા શનિવાર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવતા કોન્ટ્રાક્ટરને રેલો આવ્યો છે.
રાજકોટ, મોરબી અને જીલ્લાને જોડતો મુખ્ય હાઇવે ઉપર મોરબી, મિતાણા અને ટંકારામાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ જ થતું નથી ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા સર્વિસ રોડ ઉપર ડામરકામ કરવામાં ન આવતા છાસવારે અકસ્માત થાય છે અને ગઈકાલે પણ આવા અકસ્માતને કારણે કલાકો સુધી હજારો વાહન ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા. ત્યારે આ અંગે સમાચારો પ્રસિધ્ધ થતા નેતાઓ મેદાનમાં ઉતાર્યા છે અને કામગીરી નિયમોનુસાર કરાવવા કવાયત હાથ ધરી છે.
ટંકારા જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણીએ શનિવાર સુધીમાં ટંકારા અને મિતાણા સર્વિસ રોડ ડામરથી મઢવા સુચના આપી છે અને જો કામ નહી થાય તો હાઈવે પર ચક્કાજામ કરી દેવાની ચીમકી પણ આપી છે.
બીજી તરફ આ ચિમકીને પગલે હાઈવેનુ લબાડ અને નકટુ તંત્ર દોડતું થયું છે આ અંગે આ કામના ઈન્ચાર્જ રીટાર્યડ ઈન્જીનયર બાસિડા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મિતાણા ડાબી બાજુ જમીન સંપાદન મામલો કાનૂની ગુંચમાં છે જેથી જમણી બાજુ પર વાહન ડાયવર્ટ કરાયા છે પરંતુ બે ત્રણ દિવસમાં રાજકોટ મોરબી રોડ પરના ત્રણેય ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર પેચવર્ક કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે જમીન સંપાદનની વાત બાસિડા કરે છે એ કાગળો કલેકટર પાસે હોવાનું જાણવા મળ્યું છે અને રાજકીય જોરે સંપાદનમા રોળા નખાઈ રહ્યાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.બપરંતુ આ અંગે હવે વિદ્યાર્થી એકતા સંગઠન મેદાને પડ્યું છે અને લિગલ એડવોકેટ રાખી તમામ પેપરો મેળવી આ મુદે ન્યાય તંત્રના દ્વારા ખખડાવાની તૈયારી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide