વર્ષ 2017ની સાલમાં મંજૂરી વિના જાહેરસભા યોજવાના કેસમાં કુલ 34 લોકોને બનાવાયા હતા આરોપી
ટંકારા : હાલ વર્ષ 2017ની સાલમાં ટંકારા સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પૂર્વ મંજૂરી વિના યોજાયેલી પાસની જાહેરસભામાં ઉપસ્થિત 34 નેતા અને કાર્યકર્તાઓ સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ થયો હતો. આ 34 પૈકી 2 લોકોએ 100-100 રૂપિયાનો દંડ ભરી કેસમાંથી છુટકારો મેળવ્યો હતો જ્યારે 2 વ્યક્તિનું નિધન થયું હતું. આમ હાલ 30 નેતા-કાર્યકર્તાઓ સામે કેસ પેન્ડિંગ હતો. જે હવે આવતા સોમવારથી રોજેરોજ ચાલશે એવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતા ખળભળાટ મચી ગયો છે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડી, રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ નેતાઓ સામેના પેન્ડિગ કેસ દરરોજ ચલાવવાનું જણાવાયું હતું. જેના અનુસંધાને ટંકારામાં થયેલ જાહેરનામા ભંગના ઉલ્લંઘન બદલ 34 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેની સુનાવણી સોમવારથી દરરોજ કરવામાં આવશે એવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ કેસમાં એ સમયે પાસના કન્વીનર અને હાલમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ, મહેશ રાજકોટિયા, લલિત વસોયા, લલિત કગથરા, વરુણ પટેલ, રેશમા પટેલ, ગીતાબેન કિશોર ચીખલીયા, દિલીપ સાંભવા, નિલેશ એરવાડિયા, અક્ષય પટેલ સહિત 34 લોકો સામે ગુન્હો નોંધાયો હતો. જે પૈકી હાલ 30 લોકો સામે આ કેસ હવે દરરોજ આગળ ચાલશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ એક વાર ઉક્ત આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવાયું હતું ત્યારે હાર્દિક પટેલ, લલિત વસોયા, મનોજ કાલરીયા, અમિત ઠુમ્મર સહિતના આરોપીઓ હાજર ન રહેતા તેમના નામનું નોન બેલેબલ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અમુક નેતાઓ કોર્ટમાં હાજર પણ થયા હતા. હાલ ઉપરોક્ત ઘણા ચહેરાઓએ પાર્ટી બદલી નાંખતા અલગ અલગ પાર્ટીઓમાં જોઈન થયા છે. ગુજરાતની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. જે 8 બેઠકો પૈકી 1 બેઠક મોરબી- માળીયા મી.ની પણ છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે સોમવારથી દરરોજ ચાલનારા ઉપરોક્ત કેસની કેવી અને કેટલી અસર આગામી ચૂંટણી પર પણ પડશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide