શહેરભરમાં ઉભરાતી ગટરોની તીવ્ર દુર્ગંધથી રોગચાળાનો પણ ઝળુંબતો ખતરો
મોરબી: હાલ પ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ મચ્છુ તારા વહેતા પાણીથી મોરબી શહેરને એક આગવી ઓળખ મળી હતી પરંતુ તાલુકામાંથી જિલ્લો બની અને હવે મહાનગર બનાવ તરફ આગળ વધતા મોરબીને નબળી નેતાગીરી અને પ્રજાભિમુખ શાસન કરનારા શાસકોના કારણે આજકાલ ભૂગર્ભ તારી વહેતી ગંદકી નવી ઓળખ મળી છે. નગરપાલિકા અને પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના ગજગ્રાહમાં મોરબી પેરિસને બદલે ગંદકીનગરીમાં ફરવાયું છે.
મોરબીના રાજવીઓએ મોરબી શહેરને સૌરાષ્ટ્રનું પેરિસ ગણી શકાય એવું સ્વપ્ન સેવીને તેનું નિર્માણ કર્યું હતું. રાજાશાહી રહી ત્યાં સુધી તેની જાળવણી પણ કરી હતી. પરંતુ આઝાદી બાદ ધીમે ધીમે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું મોરબી શહેર કાળની ગર્તામાં ક્યાંય ધકેલાઈ ગયું છે. આજે મોરબી શહેરની સરખામણી પેરિસ તો બહુ દૂરની વાત છે; ગુજરાતના કોઈ છેવાડાના ગામડા સાથે પણ સરખામણી થઈ શકે નહીં તેવી સ્થિતિમાં આવી ગયું છે. રજવાડાના સમયમાં રૈયતને પરિવારનો જ એક હિસ્સો સમજતા રાજવીઓએ માત્ર પોતાના મહેલો જ મોટા નહોતા બનાવ્યા પણ જે શહેરનું નિર્માણ કર્યું હોય તેના નાગરિકોને પણ તમામ સુખ સુવિધાઓ મળે તેવા નગરોનું નિર્માણ કર્યું હતું. જો કે આઝાદી બાદ રજવાડાના સમયના આવા શહેરોની હાલત અત્યારે દયનીય બની ગઇ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી શહેરની હાલત તો નર્કાગારથી પણ વધુ ખરાબ થઈ ગઈ છે.
અત્યાર સુધી મોરબીને મળેલા તમામ ચૂંટાયેલા શાસકોએ શહેરની ઉપેક્ષા જ સેવી છે. મોરબી શહેર અને જિલ્લાની પ્રજાએ નળિયા, ટાઇલ્સ, ઘડિયાળ સહિતના ઉદ્યોગો સ્થાપીને મોરબીને વિશ્વના નકશામાં મોખરાનું સ્થાન મળે એવી પરિસ્થિતિનું નિર્માણ તો કર્યું છે પરંતુ શાસકોએ ક્યારેય જનતાના કાર્યની કદર કરી નથી. મોરબી શહેર માત્ર ટેક્ષ દોહવા માટેનું શહેર હોય શકે તેવી જ ગણતરી કરી છે.શહેરમાં દિવસ ઉગેને ઠેરઠેરથી ભૂગર્ભ ગટર ઊભરાવવાની સમસ્યાઓ વિકરાળ મોં ફાડીને ઊભી રહે છે. ત્યારે ચિત્રકૂટ સિનેમા પાસે સ્ટેશન રોડ પર ઉભરાતી ગટરથી આસપાસના વિસ્તારોમાં લોકો ત્રાહિમામ થઈ ગયા છે. શહેરના નગર દરવાજા હોય કે પછી બસ સ્ટેન્ડની પાછળનો વિસ્તાર હોય કે પછી લાતી પ્લોટ વિસ્તાર હોય આ વિસ્તારોમાંથી દિવસ ઉગે અને ઉભરાતી ગટરની સમસ્યા સામે આવે છે. ઘણી જગ્યાઓ પર નાગરિકો પોતાની જાતે જ ગટરો સાફ કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આવનારી 12 માર્ચ પછી ચૂંટાયેલા મોરબીના કાઉન્સિલરોની બનવા જઇ રહેલી નવી બોડી પાસે નગરજનોને સૌથી પહેલી પ્રાથમિક માંગણી ગટરો ઊભરાવવાની સમસ્યાનું નિવારણ કરવાની રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide