રાજકોટ : હાલ શહેરના લાતી પ્લોટ ૬/૩ના ખૂણે આવેલા ઇસ્માઇલજી ટીમ્બર નામના લાકડાના ડેલાની દિવાલ આજે સવારે ધસી પડતાં ત્રણ જણા ઘવાયા હતા.જેમાંથી આધેડને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે ચાર વાહનો ઉપરાંત બે બગી દબાઇ ગઇ હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ ઉપરાંત મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર ધસી ગયા હતા.
ડેલાના માલિક કાશી વિશ્વનાથ પ્લોટમાં રહેતા ઇકબાલ અબ્બાસભાઈ લાકડાવાલાએ જણાવ્યું કે ડેલાની દિવાલ ૧૮ ફૂટ ઉંચી અને ૨ ફૂટ પહોળી હતી. ખરેખર ક્યા કારણથી આ દિવાલ ધસી પડી તે જ સમજાતું નથી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આજે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઇ હતી. દિવાલ ધસી પડતાં ત્રણ જણા તેની નીચે દબાઇ ગયા હતા. જેમાં વસંતભાઈ આત્મારામભાઈ ઠક્કર (ઉ.વ.૫૫, રહે. સત્યમ પાર્ક-૩ મોરબી રોડ), જયરાજ મહેશભાઈ ચૌહાણ (ઉ.વ.૨૨, રહે. લાતી પ્લોટ-૧૦) અને એજાઝ ભીખુભાઈ આરબ (ઉ.વ.૨૩, રહે. ભગવતીપરા)નો સમાવેશ થાય છે.
આ ત્રણયમાંથી જયરાજ અને એજાઝ છોટા હાથીમાં બેઠા હતા. આ બંને તેમાં માલ ખાલી કરી જતા હતા ત્યારે દિવાલ માથે પડી હતી. જેથી બંનેને ઇજા થવાની સાથે છોટા હાથીમાં પણ નુકસાની થઇ હતી. જ્યારે વસંતભાઈ મોરબી રોડ પર ગાયત્રી મંદિરનું સંચાલન કરે છે. ખીરૃ વેચી ગુજરાન ચલાવે છે. મંદિરેથી બાઇક લઇ વસ્તુ લેવા માટે લાતી પ્લોટ આવ્યા ત્યારે દિવાલ માથે પડી હતી.
દિવાલ ધસી પડતાં એક આઇશર, બાઇક સહિત કુલ ચાર વાહનો ઉપરાંત બે બગીઓમાં પણ નુકસાની પણ થઇ હતી. જાણ થતા લોકોના ટોળા સ્થળ પર પહોંચી ગયા હતા. બી ડીવીઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો. બાદમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ બે ઇજાગ્રસ્તોના પોલીસે નિવેદનો લીધા હતાં. મામલતદારે પણ સ્થળની વિઝીટ કરી માહિતી મેળવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide