કેન્દ્રીય બજેટમાં મોરબીના ઉદ્યોગો માટે ‘નહિ નફો, નહિ નુકશાન

0
76
/
ઘડિયાલ અને સીરામીક ઉદ્યોગ માટે કેન્દ્રીય બજેટમાં કોઈ ઉલ્લેખ નહીં

મોરબી : તાજેતરમા નાણાંમંત્રી નિર્મલા સીતારામણે આજે સોમવારે સાલ 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જેમાં મોરબીના વિશ્વ પ્રસિદ્ધ એવા બે ઉદ્યોગ ઘડિયાલ અને સીરામીક ક્ષેત્ર માટે કોઈ ઉલ્લેખ ન કરતા ઉદ્યોગકારોમાં મહદઅંશે નિરાશાની લાગણી ઉદ્દભવી છે.

ચાલુ નાણાકીય વર્ષ માટે નાણાંમંત્રી નિર્મલા સીતારણે આજે સોમવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જે મોરબીના ઉદ્યોગકારોની આશા-અપેક્ષામાં ખરું ઉતર્યું ન હતું. કલોક એસોસિએશનના પ્રમુખ શશાંક દંગીએ આ બજેટ અંગે મોરબી અપડેટને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઘડિયાળ ઉદ્યોગ માટે આ બજેટ નહિ નફો નહિ નુકશાન જેવું રહ્યું છે. હાલની જે પરિસ્થિતિ છે તેમાં કોઈ સુધારો થાય એવી બજેટમાં કોઈ જોગવાઈ નથી કરાઈ. જો કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે જે પગલાં લીધા છે તેને લઈને રોજગારી વધે તો ઘડિયાલ ઉદ્યોગને ભવિષ્યમાં રાહત મળવાની સંભાવના હોવાનો આશાવાદ શશાંકભાઈએ વ્યક્ત કર્યો હતો.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા તેઓએ જણાવ્યું હતું કે ઘડિયાર ઉધોગ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની વ્યાખ્યામાં આવે છે. આ ઉધોગ ઓછા રોકાણે વધુ લોકોને રોજગાર પૂરો પાડી રહ્યો છે. આથી, નાના ઉદ્યોગકારોને જીએસટીમાં જો રાહત અપાઈ હોત તો કદાચ આ ઉધોગનું ભાવિ વધુ ઉજ્જવળ બન્યું હોત. ખાસ કરીને ઘડિયાલ ઉદ્યોગ જ્યારે ચીન જેવા દેશોને ફાઈટ આપી રહ્યો હોય ત્યારે આ ઉદ્યોગના વિકાસ માટે સરકારે ગંભીરતાપૂર્વક નીતિઓ બનાવી હોત તો ઘડિયાર ઉધોગને વધુ હરણફાળ ભરવાની મોકળાશ મળી શકી હોત. હાલ ઘડિયાર ઉધોગ 18 ટકા ટેક્ષમાં સમવાયેલો છે. જેમાં 50 ટકા રાહત આપીને 09 ટકા ટેક્ષ સ્લેબમાં સમાવેશ કરવાની અપેક્ષા હાલ તો સંતોષાઈ નથી. જો કે, અન્ય ક્ષેત્રોમાં જે રાહતો અપાઈ છે તેનો આડકતરો લાભ ઘડિયાલ ઉદ્યોગને મળશે એવો આશાવાદ પણ શશાંકભાઈએ અંતમાં વ્યક્ત કર્યો હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/