[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમાં મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખાતરની અછતથી ખેડૂતોએ રોષ ઠાલવી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. વહેલી સવારથી ખાતર લેવા માટે આવેલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતા ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો હતો. ખાતર લેવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં આવે છે પરંતુ પૂરતા પ્રમાણમાં ઉપરથી ખાતરની ગાડીઓ આવતી નથી. દરરોજ એક ગાડી ખાતર આવે છે જેથી અનેક ખેડૂતોને ખાતર વિના પરત જવું પડે છે. આજે પણ માત્ર એક જ ગાડી ખાતર ની આવતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.
મોરબી જિલ્લામાં વરસાદ સારો થવાથી 96 ટકા એટલે મોટાભાગનું વાવેતર થઈ ગયું છે. આથી જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે પાકમાં છટકાવ માટે યુરિયા ખાતરની જરૂરત પડે. આથી દરરોજ મોરબી આસપાસના ગામડામાંથી વહેલી સવારે 4 કે 5 વાગ્યે ઉઠીને જે હાથ લાગ્યું તે વાહનમાં બેસીને મોરબીના માર્કેટિંગ યાર્ડમાં યુરિયા ખાતર લેવા પહોંચી જાય છે. સવારે વહેલા ઉઠવું ઓડે તેનું ખાસ કારણ એ છે કે યુરિયા ખાતરની અછત સર્જાય છે. મોરબીના માર્કેટિંગ યાર્ડમાં જરૂરિયાત સામે માત્ર 20 કે 30 ટકા જે યુરિયા ખાતર આવે છે. એટલે યુરિયા ખાતર લેવા વાળા હજારો ખેડૂતો હોય અને દરેકને મિનિમમ 25થી વધુ ખાતરની થેલી જોઈએ એની સામે 300થી માડીને 500 થેલી ખાતર આવે છે લેનારા હજારો ખેડૂતો હોય સવારે દરેક ખેડૂતો ઉઠીને આવીને મોરબીના માર્કેટિંગ યાર્ડમાં લાઈનો લગાવે છે.આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા બાદ ક્યારેક લાઈનોમાં ઉભા હોય તો ક્યારેક વારો આવે ત્યારે યુરિયા ખાતરનો સ્ટોક ખલાસ થઈ જાય છે. આથી ખેડૂતોને ધક્કા ઉપર ધક્કા થાય છે. ચાર પાંચ ધક્કા કરીને ત્યારે વારો આવે અને વારો આવે ત્યારે 25થી વધુ ગુણીઓ જોઈ એના બદલે 3 ગુણી જ ખાતર જ હાથમાં આવે છે અને માર્કેટ યાર્ડમાં ઓછો ખાતરનો જથ્થો આવતો હોય 100થી 150 ટોકન જ દરરોજ આપવામાં આવે છે. જેટલો ખાતરનો સ્ટોક આવ્યો હોય એટલો એટલા ટોકન આપવામાં આવે છે. 300 ગુણી અબી હોય તો 150 ટોકન આપવામાં આવે છે અને સામે હજારો ખેડૂતો હોય બધાને ટોકન ક્યાંથી મળવાના ? એટલે ખાતર માટે રોજ ધક્કા ખાવાના, હવે તો નિંદણનો સમય હોવાથી રોજ ખેડૂતોને ખાતર લેવા મોરબી જવું કે ખેતરમાં નિદવા જવું ? આથી ખેડૂતોની વેદના પાર વગરની છે. પણ ઉપરથી સ્ટોક ઓછો આવતો હોય ખેડૂતોની ડિમાન્ડ ક્યારે પુરી થશે એ નક્કી નથી.
તંત્રએ ખાતરની ઘટ ન હોવાની કેસેટ વગાડી
ખેડૂતો કહે છે કે તેમને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર મળતું નથી. વહેલી સવારે ખેડૂતો આવીને લાઈનો લગાવ્યા બાદ બપોરે “સાહેબ ” આવે ત્યારે ખાતર માટે ટોકન મળે છે. આ ઉપરાંત ખેડૂતો માટે પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો પણ સંદતર અભાવ છે. દરરોજ 150 ખેડૂતો આવતા હોય એની સામે 100 ખેડૂતોનો જ વારો આવે છે. એક દિવસ ટોકન માટે ધક્કો ખાવાનો અને બીજા અને ત્રીજા દિવસે ખાતર માટે ધક્કો કરવાનો હોય એમાં પણ ખાતરની થેલી પૂરતા પ્રમાણમાં મળતી નથી. એટલે ધક્કા ઉપર ધક્કા થાય છે. ખાતરની અછત વચ્ચે તંત્રનો સંપર્ક સાધતા તંત્રએ ખાતરની કોઈ ઘટ જ ન હોવાની કેસેટ વગાડી છે. આ અંગે ખેતીવાડીના અધિકારી પરસાણીયાએ કહ્યું હતું કે, ખાતર પૂરતા પ્રમાણમાં આવે છે. યુરિયા ખાતરની કોઈ અછત જ નથી. પણ ઘણા ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાની ફરિયાદ કરે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide