એલસીબીની ચાર ટીમ, એસઓજીની એક ટીમ અને સ્થાનિક પોલીસની બે સહિત સાત ટિમો તપાસમાં
સીસીટીવી ફૂટેજ, જેલમાંથી છૂટેલા અને પેરોલ ઉપરના અનેક આરોપીઓ ચેક કરવા છતાં લૂંટારુંના કોઈ સગડ નહિ
વાંકાનેર : વાંકાનેર નજીક પથ્થરના ઘા કરી છરીની અણીએ જીનિંગ મિલ માલિક પાસેથી રૂપિયા 27 લાખની લૂંટના બનાવને 48 કલાકથી વધુનો સમય વીત્યા બાદ પણ લૂંટની ઘટનાની તપાસ કરી રહેલ એલસીબી, એસઓજી કે સ્થાનિક પોલીસને હજુ સુધી લૂંટારુઓના સગડ ન મળતા લૂંટારુઓ હવામાં ઓગળી ગયા હોય તેવી સ્થિતિ વચ્ચે પોલીસ ટીમો મોબાઈલ લોકેશન, સીસીટીવી સહિતના સહારે તપાસ ચલાવી રહી છે.
વાંકાનેર શહેર નજીક આવેલ વિકાસ જીનિંગ મિલના પાર્ટનર યુસુફભાઈ માથકીયા તેમના એકાઉન્ટન્ટ અબ્દુલભાઈ સાથે બે દિવસ પૂર્વે રાત્રીના સમયે સ્વીફટ કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેઓએ કાર મિલની બહાર કાઢી ત્યાં જ દીવાલ ઉપર બેઠેલા એક વ્યક્તિએ કાર ઉપર પથ્થર માર્યો હતો. બાદમાં બીજા એક વ્યક્તિએ આવીને બેઝબોલનો ધોકો કાર ઉપર માર્યો હતો અને મિલના પાર્ટનર યુસુફભાઈ કારની બહાર નીકળતા જ બન્ને લૂંટારુઓએ તેમના ઉપર હુમલો કર્યો હતો.
લૂંટારુઓએ છરી વડે યુસુફભાઈને ઇજા પણ પહોંચાડી હતી. બાદમાં આ બન્ને લૂંટારુંઓ રૂ. 27 લાખ ભરેલી બેગ લઈને હવામાં ઓગળી ગયા હતા. આ ઉપરાંત અન્ય એક બેગ જેમાં ચેક અને ડોક્યુમેન્ટ હતા તે બેગ પણ લૂંટારુઓ લઈ ગયા છે.
બીજી તરફ લૂંટના આ બનાવમાં પોલીસ તાકીદે ઘટનાસ્થળે આવી બનાવના અંકોડા મેળવવા પ્રયાસો કર્યા હતા અને આ ચકચારી લૂંટના ભેદને ઉકેલવા એલસીબીની ચાર ટીમ, એસઓજીની એક અને સ્થાનિક પોલીસની બે ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પરંતુ કોઈ સફળતા હાથ લાગી નથી.દરમિયાન આ લૂંટનો ભેદ ઉકેલવા હાલમાં પોલીસની સાત ટીમ દ્વારા લૂંટ કરવાની ટેવ ધરાવતા હોય તેવા જેલમાંથી બહાર આવેલા અને પેરોલ ઉપર છૂટેલા ઇસમોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ આમ છતાં હજુ સુધી પોલીસને લૂંટનો ભેદ ઉકેલવામાં નક્કર સફળતા મળી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide