કુલ 25 લાભાર્થીઓ સાથે વડાપ્રધાને રૂબરૂ વાત કરી યોજનાની જમીની હકીકતની કરી ચકાસણી : લાભાર્થીઓના મંતવ્યો જાણી તબિયતના ખબરઅંતર પૂછી સારા સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી
મોરબી : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી યોજનાઓનો શુભારંભ કરાવવાની સાથે લાગુ યોજનાની જમીની હકીકતની પણ જાણકારી મેળવી હતી. અમદાવાદમાં આવેલા વડાપ્રધાન મોદીએ આયુષ્યમાન ભારત યોજનાના લાભર્થીઓને રૂબરૂ મળીને યોજનાનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કર્યો હતો. કુલ 25 લાભાર્થીઓને તેઓ રૂબરૂ થયા હતા. જેમાના પાંચ લાભાર્થીઓ મોરબી જિલ્લાના પણ હતા.
આ લાભાર્થીઓએ ખાસ કરીને ગોઠણના, સાંધાઓ, તેમજ પગના થાપાના ગોળાઓના ઓપરેશન આ યોજના હેઠળ કરાવેલા હતા. જેમાં ૧) જીતુબેન ભૂરાભાઈ પરમાર, કાલિકા પ્લોટ મોરબી, ૨) ભાવેશભાઈ ચૌહાણ, હળવદ તાલુકો, ૩) કનકભાઈ રવજીભાઈ સોલંકી, મોરબી, ૪) ભુપતભાઇ વાલજીભાઈ અઘારા, ગામ શક્તિનગર, તા. હળવદ, તેમજ ૫) અરબાઝ ઢોલિતરને વડાપ્રધાને રૂબરૂ મળીને યોજના વિશે તેમજ કોઈ ફરિયાદ કે સલાહ સુચન હોય તો એ વિશે પૂછપરછ કરી હતી. ખાસ કરીને દરેક લાભાર્થીઓને એમની બીમારી, યોજનાની જાણકારી ક્યાંથી મળી, સારવાર કેવી રહી, કોઈ પણ સ્તરે ક્યાંય પણ કોઈ વ્યક્તિએ રૂપિયાની માંગણી કરી હતી કે કેમ, સારવાર પછી હવે કેવું લાગી રહ્યું છે તેવા સવાલો પૂછીને યોજનાની ખામીઓ શોધવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો હતો. જેનાથી લાભાર્થીઓ ખુબજ પ્રભાવિત થયા હતા.ઉપરોક્ત તમામ પાંચે પાંચ લાભાર્થીઓએ મોરબીની આયુષ્ય હોસ્પિટલના ડૉ. ચેતન અઘારા પાસેથી સારવાર તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું. ડૉ. અઘારાએ મોરબી અપડેટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પહેલી ઓક્ટોબર 2018ના રોજ લાગુ થયેલી આયુષ્યમાન ભારત યોજનાંનો લાભ ત્વરિત મળવાનો શરૂ થયો હતો. જેમાં બીજી ઓક્ટોબરના રોજ જ જીતુબેન ભૂરાભાઈ પરમારનું ગોંઠણના સાંધાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે ભારતમાં આ યોજના અંતર્ગત સહુથી પહેલું ઓપરેશન હતું. મોરબી જિલ્લામાં આયુષ્યમાન હોસ્પિટલ ખાતે આ યોજનાનું માહિતી કેન્દ્ર ચાલે છે. જ્યાં અત્યાર સુધીમાં ૧૭૦૦૦ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે. જેમાંથી ૧૨૨ લાભાર્થીઓના વિવિધ પ્રકારના ઓપરેશન કરવામાં આવી ચુક્યા છે. આ ૧૨૨ પૈકી ૫૦ ઇમરજન્સી કેસોમાં તત્કાલ એક જ કલાકમાં કાર્ડ કાઢી આપીને ઓપરેશનો કરવામાં આવ્યા છે. સરકાર તરફથી આ યોજનાનું ગોલ્ડન કાર્ડની હાર્ડકોપી કઢાવવાનો ટોકન ચાર્જ ૩૦ રૂપિયા છે પણ આ હોસ્પિટલના ટ્રસ્ટ દ્વારા તે પણ નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે. ડીઝીટલ ઇન્ડિયા હેઠળ સરકારની મોટાભાગની યોજનાઓનું ડિઝીટેલાઈઝેશન થયું છે તેમ છતાં છેવાડાના ગામો સુધી અમુક યોજનાઓની જાણકારી ક્યારેક મળતી નથી. પરંતુ આ યોજનાના લાભાર્થીઓ દ્વારા જ આ યોજનાનો પ્રસાર થાય છે તેમ વધુમાં ડૉ. અઘારાએ જણાવ્યું હતું. હોસ્પિટલ દ્વારા સામેથી ફોન કરીને પણ આ યોજના અંતર્ગત સારવાર ઉપલબ્ધ હોવાની માહિતી દર્દીઓને આપવામાં આવે છે તેમ ડૉ. ચેતન અઘારાએ અંતમાં જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે પહેલી ઓક્ટોબરે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વિશ્વની સહુથી મોટી આરોગ્ય વિષયક યોજના લાગુ કરી હતી. આ યોજના હેઠળ ગરીબ તેમજ મધ્યમવર્ગના લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની આરોગ્ય સેવાનો સરકાર તરફથી લાભ આપવામાં આવે છે. ખાસ કરીને નાના મોટા ઓપરેશનનો અચાનક આવી પડેલો ખર્ચ, મોંઘી બનેલી મેડિકલ ટ્રીટમેન્ટને કારણે ભલભલા માણસને આર્થિક રીતે પાયમાલ કરી નાખે છે ત્યારે આ યોજનાનો લાભ છેક છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide