એટીએસને મળી મોટી સફળતા ઈશા રાવના ઈશારે હેરોઇનની હેરફેર કરનાર અને ડ્રગ્સ વેચનાર ગિરફ્તમાં આવતા મોરબી કોર્ટમાં રજુ કરાયા
મોરબી : હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા અને મોરબીના ઝીંઝુડાથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં એટીએસ ટીમને મોટી સફળતા મળી છે. ઈશા રાવના ઈશારે પાકિસ્તાનથી આવેલું રૂપિયા 500 કરોડનું 100 કિલોગ્રામ ડ્રગ્સ પુણે,દિલ્હી સહિતના શહેરોમાં વેચી નાખનાર સચાણાના જાબિયર અને પુણેના સર્જેરાવ નામના આરોપીને દબોચી લઈ આજે મોરબી એનડીપીએસ કોર્ટ સમક્ષ રજુ કરાતા નામદાર અદાલતે બન્ને આરોપીને 12 દિવસના રિમાન્ડ ઉપર સોંપવા આદેશ કર્યો હતો. નોંધનીય છે કે ડ્રગ્સ કાંડમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સલાયા અને ઝીંઝુડા ડ્રગ્સ કેસના તાર સમગ્ર દેશમાં ફેલાયેલ છે ત્યારે ગુજરાત એટીએસને વધુ એક સફળતા મળી છે જેમાં ડ્રગ્સ માફિયા ઈશા રાવના ઈશારે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ પાસેથી મધદરિયે ડ્રગ્સ મેળવી દિલ્હી અને પુના જેવા શહેરોમાં યુવાધનને બરબાદ કરવા નશાનો કાળો કારોબાર ચાલવતા જામનગર જિલ્લાના સચાણા ગામનો જાબિયર ઉર્ફે જાવિદની ભૂમિકા બહાર આવતા એટીએસે જાબિયર ઉર્ફે જાવિદને દબોચી લેતા તેને ઈશા રાવના ઈશારે પુણેના સર્જેરાવ કેશવરાવ ગરડને 500 કરોડની કિંમતનું ડ્રગ્સ વેચ્યું હોવાની કબૂલાત આપતા એટીએસ દ્વારા પુણેના સર્જેરાવ કેશવરાવ ગરડની પણ ધરપકડ કરવામાં આવી છે.
દરમિયાન સોમવારે સાંજે બન્ને આરોપીઓને એટીએસના જાંબાઝ પીઆઇ સી.આર.જાદવ સહિતની ટીમે મોરબી એનડીપીએસ કોર્ટમાં રજુ કરી આ 100 કિલોગ્રામ ડ્રગ્સ કેવી રીતે લાવ્યો, ક્યાં જથ્થો સંતાડ્યો, કઈ બોટ અને ક્યાં મોટર સાયકલનો ઉપયોગ કરી ક્યાં – ક્યા ડ્રગ્સ સ્પલાય કર્યું તે સહિતની બાબતો અંગે જાણકારી મેળવવા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર અદાલતે બન્ને આરોપીઓને 12 દિવસના રિમાન્ડ ઉપર સોંપવા આદેશ કર્યો હતો.
ઝીંઝુડામાં 131 કિલો ડ્રગ્સ ઉતર્યું હતું જેમાંથી 12 કિલો ડ્રગ્સ નાઈજિરિયનને અપાયું હતું
મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી એટીએસ દ્વારા 119 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી લીધું હતું તેમાં નવો ખુલાસો થયો છે. ઝીંઝુડા ખાતે ઉતારવામાં આવેલા ડ્રગ્સ પૈકીના જથ્થામાંથી 12 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો નાઈઝિરિયન નાગરિકને વેચી નાખવામાં આવ્યો હોવાથી ઝીંઝુડામાં 131 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
પુણેનો સર્જેરાવ ગરડ મુખ્ય ડ્રગ પેડલર
એટીએસના હાથે ઝડપાયેલો પુણેનો સર્જેરાવ કેશવરાવ ગરડ નામનો શખ્સ મુખ્ય ડ્રગ્સ પેડલર હોવાનું બહાર આવ્યું છે. જાબિયર પાસથી 100 કિલોગ્રામ ડ્રગ્સ ખરીદી સર્જેરાવ કેશવરાવ ગરડ દ્વારા દેશના અલગ – અલગ શહેરોમાં વેચવામાં આવ્યું હતું આ ઉપરાંત 642 ગ્રામ સાથે ઝડપાયેલા અન્ય નાઈજિરિયન શખ્સને પણ સર્જેરાવે જ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું ખુલ્યું છે ત્યારે 12 દિવસના રિમાન્ડ દરમિયાન અન્ય ચોંકાવનારા ખુલાસા થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide