વાંકાનેર: આરોગ્ય નગર વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાનો હાથફેરો કરી રફુચક્કર થઈ ગયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું હતું. આ મકાનમાંથી કૂલ રૂ.૯૨,૬૦૦ ની માલમતાની ચોરીની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના આરોગ્યનગર રામાપીરના મંદિર પાસે રહેતા ઇરફાનશા મલુકશા શાહમદાર (ઉ.વ ૨૧) એ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૭ ના રોજ ફરિયાદી પોતાના રહેણાક મકાનને તાળા મારી પોતાના પત્ની તથા બાળકો સાથે માનતા કરવા મોટા વાગુદડ ગામે ગયા હતા. તે દરમ્યાન તા.૧૮ ના રોજ રાત્રીના સમયે ફરિયાદીના બંધ રહેણાક મકાનને તસ્કરોએ નિશાન બનાવી આ મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી રૂમમા રહેલ લાકડાના કબાટની ચાવી લાકડાના ટેબલમા રાખેલ હતી. તેના વડે લાકડાનો કબાટ ખોલી કબાટમા રાખેલ આ કામના ફરિયાદી તથા તેના પત્ની બાળકોના સોના ચાંદીના દાગીના તથા ફરિયાદીની સનાટા કંપનીની ઘડીયાળ મળી કૂલ રૂ.૯૨,૬૦૦ ની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. દરમિયાન બહારગામથી આજે તેઓ પરત આવતા ઘરમાં ચોરી થયાનું માલુમ પડતા આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide