મોરબી: અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગની શહેરમા ઠેર-ઠેર ધામધૂમથી ઉજવણી

0
69
/
  • જિલ્લાના ગામે-ગામના રામજી મંદિરોમાં આરતી સાથે રામનામ ગુંજી ઉઠ્યું : શેરી-ગલીઓમાં લોકોએ ફટાકડાની આતશબાજી કરી શિલાન્યાસ વિધિને ઉમળકાભેર વધાવી
  • મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ સહિતના દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબી : આજે અયોધ્યામાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મભૂમિના શિલાન્યાસ પ્રસંગને લઈને મોરબી જિલ્લામાં ભારે હર્ષોલ્લાસ છવાયો છે. અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસની વિધીને ઉમળકાભેર આવકાર આપવા માટે મોરબી જિલ્લામાં ઠેરઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપ, કરણી સેના, રામધન આશ્રમ, હળવદમાં વિહિપ બજરંગ દળ સહિતના દ્વારા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાના ગામે ગામ રામજી મંદિરોમાં આરતી તેમજ ફટાકડાની આતીશબાજી સાથે રામ મંદિરની શિલાન્યાસની વિધીને ઉમળકાભેર વધાવી હતી.

મોરબીના પૌરાણિક રામ મહેલ મંદિરમાં રામ દરબારની મહાઆરતી કરાઈ

અયોધ્યામાં આજે રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ભારે હરખની હેલી જોવા મળી છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામે ગામે આવેલા રામજી મંદિરોમાં ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. જ્યારે મોરબી શહેરમાં આવેલ અને હમણાં જીણોદ્ધાર કરાયેલા દરબાર ગઢ પાસેના પૌરાણિક રામ મહેલ મંદિરમાં ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. તેમજ મોરબીના વાંકડા ગામે રામજી મંદિરમાં ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. તેમજ ફટાકડા ફોડીને અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ વિધિને સહૃદય ઉમળકાભેર વધાવી લેવાય હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
યુવા અગ્રણી અજયભાઇ લોરિયા દ્વારા જિલ્લાભરમાં મીઠાઈ તથા દીવડાનું વિતરણ

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને સેવાભાવી અજયભાઇ લોરિયા દ્વારા રામ મંદિર શિલાન્યાસ પ્રસંગ નિમિત્તે મોરબી શહેરમાં તથા મોરબી જિલ્લાના ગામોમાં જઈ 7,100 જેટલા પેંડાના બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અજયભાઈએ 7,100 જેટલા દીવડાઓનું ઘરે-ઘરે વિતરણ કરવામાં આવ્યું છે. જે દીવડા સાંજે પ્રગટાવવામાં આવશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
કરણી સેના દ્વારા આરતી યોજાઈ

મોરબી કરણી સેના દ્વારા આજે બપોરના સમયે મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે આરતીનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી કરણી સેનાના હોદેદારો અને સભ્યો સહિતના લોકો જોડાયા હતા. આજે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટેની શિલાન્યાસ વિધિની ખુશીમાં આ આરતી કરવામાં આવી હતી અને ભગવાન રામચંદ્રની પ્રાર્થના કરવામાં આવી હતી.

રામધન આશ્રમ ખાતે આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

આજે અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ વિધિના પ્રસંગે મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાના મંદિરે રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હનુમાન ચાલીસ પાઠ, 108 દિવડાની દીપમાળા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેનની ઉપસ્થિતમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લઈને રામ મંદિરના નિર્માણ કાર્યને વધાવ્યું હતું.

 

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
મોરબી જિલ્લા ભાજપ દ્વારા દિવડા તથા પેડાના બોક્ષનું વિતરણ

આજે રામ મંદિરની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાવજીભાઈ ગડારા મહામંત્રી જયોતીસીહ જાડેજા, પ્રભુભાઈ ભુત દ્વારા દિવડા તથા પેડાના બોક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ દિપકભાઈ પોપટ કાઉન્સિલર મોરબી નગરપાલિકાએ જણાવ્યું હતું. તેમજ ભાજપ મોરબી જિલ્લા મહિલા મોરચાના બહેનો દ્વારા મોરબી શહેરમાં પેંડા અને દિવડા વહેંચીને ખુશી વ્યક્ત કરવામા આવી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/