મોરબીમાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં ત્રણ મકાનમાં ચોરીથી ખળભળાટ

0
184
/

ચિત્રકૂટ સોસાયટીમાં તસ્કરોએ 15 હજારના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો:પંચાસર રોડ ઉપર નિશાચરો કિંમતી માલ-મત્તા હાથમાં ન આવતા અગત્યના ડોક્યુમેન્ટ સાથે લઈ ગયા: કન્યા છાત્રાલય રોડ પર ચોરી સમયે લોકો જાગી જતા પથ્થરમારો કરી તસ્કરો પલાયન થઇ ગયા 

મોરબી: ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના દાવાઓ પોકળ ઠરતા હોય એમ મંગળવારે રાત્રે શહેરમાં ત્રણ-ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. તાળા તોડવાના હથિયારો અને પથ્થરો સાથે લઈને ફરતા તસ્કરો સીસીટીવીમાં તો કેદ થયા છે પણ રાત્રી પેટ્રોલિંગમાં રહેતા પોલીસની નજરે કેમ ચડ્યા નહિ તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.

ચોરીના પ્રથમ બનાવમાં શનાળા રોડ સ્થિત આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં મંગળવારે મોડી રાત્રે 5 તસ્કરો ત્રાટકયા હતા. જ્યારે પંચાસર રોડ પરની એક સોસાયટીમાં પણ તસ્કરોએ એક ઘરના તાળા તોડ્યા હતા. મંગળવારે મોડી રાત્રે ઉપરોક્ત સોસાયટીઓમાં ચારથી પાંચ અજાણ્યા શખ્સો ઘરફોડી માટે ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે સીસીટીવીમાં જોવા મળ્યા હતા. ચિત્રકૂટ સોસાયટીમાં એક મકાનના તાળા તોડી તસ્કરોએ 5 હજાર રૂપિયાની કિંમતનું એક ૐકાર અને 10 હજાર રૂપિયાની રોકડ પર હાથ સાફ કર્યો હતો. કેતનભાઇ કાચરોલાના મકાનમાં ત્રાટકેલા તસ્કરોએ 15000 રૂપિયાના મુદ્દામાલ પર હાથ સાફ કર્યો હતો.

ઉપરોક્ત મોડ્સ ઓપરેન્ડી મુજબ જ શહેરના પંચાસર રોડ સ્થિત કિશનપાર્કમાં મંગળવારે મોડી રાત્રે 2:45થી 3 વાગ્યાની આસપાસ એક બંધ મકાનમાં નિશાચરો ત્રાટકયા હતા. કોઈ કિંમતી માલ-મતા હાથમાં ન આવતા ઘરધણીના અગત્યના ડોક્યુમેન્ટ નિશાચરો સાથે લઈ ગયા હતા. કિશનપાર્કમાં મંગળવારે રાત્રે પોણા ત્રણથી ત્રણ વાગ્યાની આસપાસ ચારથી પાંચ શખ્સો એક બંધ મકાનમાં ત્રાટકયા હતા. ઘરધણી જયદીપભાઈ અરુણભાઈ પૂર્ણવૈરાગી સોમવારે લગ્ન પ્રસંગ હોય પરિવાર સાથે રાજકોટ ગયા હતા. આ તકનો ફાયદો ઉઠાવી ઘરફોડોએ મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. ચોરીને અંજામ આપતા સમયે ઉપરના માળે રહેતા ભાડુઆતના રૂમનો દરવાજો તસ્કરોએ બહારથી બંધ કરી દીધો હતો. જો કે ભાડુઆતને આ બાબતની જાણ થઈ જતા તેઓએ આસપાસ રહેતા અન્ય પાડોશીઓને ફોન કરતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. એ દરમ્યાન તસ્કરો જે વાહનમાં આવ્યા હતા તે લઈને નાસી છૂટ્યા હતા.

ત્રીજા બનાવમાં ચિત્રકૂટ સોસાયટીની બાજુમાં જ આવેલા કન્યા છાત્રાલય રોડ પર આવેલા અનિલ પાર્કમાં સયુંકત કુટુંબમાં એક જ મકાનમાં રહેતા રવજીભાઈ મોતીભાઈ કણઝારીયાના ઘરે તસ્કરો ત્રાટકયા હતા ત્યારે અન્ય રૂમોના દરવાજા બહારથી બંધ કરી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આશરે ચારેક હજાર રૂપિયાના પરચુરણ સિવાય તસ્કરોને વધુ કશું હાથ લાગે એ પહેલાં લોકો જાગી જતા તસ્કરો નાસ્યા હતા. જતા જતા તસ્કરોએ કરેલા પથ્થરમારામાં રવજીભાઈ મોતીભાઈ કણઝારીયાના માતા જીતુબેનને માથામાં ઇજા થઇ હતી.

ત્રણેય બનાવોમાં એક જ ટોળકીનો હાથ હોવાનું હાલ સ્થળ પર પહોંચેલી પોલીસ ટીમનું પ્રાથમિક તબક્કે અનુમાન છે. વિસ્તૃત તપાસ બાદ હકીકત સામે આવશે. હાલ તો પોલીસ ટીમે સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે તસ્કરોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે. એક સાથે ત્રણ ત્રણ સ્થળો પર ચોરીના બનાવને લઈને પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલો પણ ઉઠી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/