ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ રખાયા
મોરબી : હાલ મોરબી સહીત રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી રાજકોટ, જામનગર અને અમદાવાદ જતી સાંજની બસના રૂટ કેન્સલ કરી દેવાયા છે અને એ જ રીતે મોરબી ડેપોની નાઈટ હોલ્ટ રૂટમાં ચાલતી હરીપર, માણેકવાડા અને વવાણીયા રૂટ પણ હાલ રદ કરી નાખવામાં આવ્યા છે. બીજી તરફ કોરોનાના હાઉને કારણે બસમાં ઉતારુઓની સંખ્યા ઘટી જતા મોરબી ડેપોની આવકમાં 50 ટકા ગાબડું પડી ગયું છે.
કોરનાની સેકન્ડ વેવ મોરબીના પ્રજાજનો ઉપર ઘાતક બનીને ત્રાટકી છે ત્યારે હવે લોકો પણ ભયના કારણે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ખાસ કરીને આંતરરાજ્ય પ્રવાસ કરવાનું બંધ કરતા મોરબી એસટી ડેપોની આવકમાં છેલ્લા અઠવાડિયામાં 50 ટકા જેવું ગાબડું પડ્યું હોવાનું એસટી વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે.
દરમિયાન ગઈકાલથી મોરબી સહિત રાજ્યભરના 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારે 6 સુધી કર્ફ્યુ લાદવામાં આવતા મોરબી ડેપો દ્વારા અમદાવાદ, રાજકોટ અને જામનગર રૂટની સાંજની બસ બંધ કરવામાં આવી છે અને રાજકોટ માટે સાંજે 5.30 બાદ મોટાભાગની બહારના ડેપોની બસ પણ આવતી બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબી ડેપોની નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટની બસ પણ બંધ કરવામાં આવી હોય ખાસ કરીને રાજકોટ-મોરબી વચ્ચે આવાગમન કરતા લોકોને વહેલાસર કામ આટોપવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide