જામનગર: આજથી જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક ભૂચરમોરી મેળાનો આજથી શુભારંભ થયો છે ત્યારે આ મેળાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે.
જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરા પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઈતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું હતું. જેને ઈતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપત તરીકે ઉપમા આપી છે. શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે મેદાન લોહીથી રંગાઈ ગયું હતું. પ૦૦ વર્ષ પહેલા રણમેદાનમાં અભુતપુર્વ સંગ્રામ ખેલાયો હતો જેમાં કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ બલીદાન પણ આપ્યા હતા
પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ
આજથી પાંચસો વર્ષ પહેલા ભૂચર મોરીના મેદાનમાં ખેલાયો હતો લોહિયાળ જંગ. રાજ ધર્મ અને આસરા ધર્મના પાલન માટે ક્ષત્રિય રાજવી હાલાજી અકબર બાદશાહ સામે ભીષણ યુદ્ધે ચડ્યા હતા. આ રણ સંગ્રામમાં જામનગરના કુંવર અજાજી પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી.
આ યુદ્ધમાં હજારો નવજુવાનિયા ક્ષત્રિયોએ પણ જીવ સટોસટીની લડાઇ લડી પોતાના પ્રાણો ત્યાગ્યા હતા. આશરે આવેલા અમદાવાદના મુસ્લિમ મુઝફર શાહનું રક્ષણ કર્યું હતું. .આ યુદ્ધ એટલું ભયંકર અને ભયાનક હતું કે જેને ગુજરાત પાણીપત પણ કહેવામાં આવે છે.
બાદશાહ મુઝફર શાહ આવ્યો સૌરાષ્ટ્રના રાજવીના શરણે
વિક્રમ સંવત 1629નો એ દિવસ. દિલ્હીમાં ગાદી પર બિરાજતા અકબર બાદશાહે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજ્ય કબજે કરી લીધું. અકબરે મુઝફર શાહને કેદ કરી દિલ્હી લઇ ગયો. મુઝફર શાહ અકબરની કાળી કોટડીમાં બંધ હતો. પણ અકબર બાદશાહની લોખંડી કેદ તોડીને મુઝફર શાહ ભાગી છૂટ્યો. અકબરને ખબર મળ્યા કે મુઝફર શાહ ભાગી છૂટ્યો છે. તો તેણે પોતાનું આખુય લશ્કર મુઝફરને પકડવા માટે પાછળ દોડાવ્યું. પણ મુઝફર શાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને થાપ આપતો હતો.
અકબરની આવડી મોટી સેના પાછળ પડી હોય અને બચવું કંઈ સહેલું ન હતું. મુઝફર શાહ રણઝળપાટ કરતા ગુજરાતના અનેક રાજાઓની શરણે ગયો. પણ કોઈએ આશરો ન આપ્યો.છેવટે મુઝફરશાહ જામનગરના રાજવી જામસતાજીના શરણે આવ્યો. શરણાગતનું રક્ષણ કરવું તેતો ક્ષત્રિયનો ધર્મ છે. જામસતાજીએ મુઝફર શાહને શરણ આપ્યું. .
જામનગરના રાજવી જામસતાજીએ આપ્યું શરણ
એક તરફ મુઝફર શાહને જામસતાજી જેવા સાહસિક રાજાનું શરણ મળી ગયું હતું. બીજી તરફ દિલ્લીના બાદશાહના સિપાહીઓ મુઝફરને શોધવા માટે ગામે ગામે ખૂંદી રહ્યા હતા. .ત્યાં અમદાવાદમાં અકબરના સુબા મુરઝા અઝીઝને જાણ થઈ કે જામસતાજીએ મુઝફરને આશરો આપ્યો છે. ત્યારબાદ તાબડતોડ અકબરે પોતાનું લશ્કર જામનગર તરફ મોકલ્યું. .અને જામસતાજીને ફરમાન કર્યું કે મુઝફર શાહ અમને સોંપી દો. પણ પોતાના આશરે આવેલાનું રક્ષણ ન કરે તો તે ક્ષત્રિય શેનો ?
ભુચરમોરીના મેદાનમાં જામ્યું યુદ્ધ
જામસતાજીએ દિલ્હીના બાદશાહને જવાબ મોકલ્યો કે શરણાગતને કાઢી મુકવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી. જામસતાજીનો આ જવાબ સાંભળીને બાદશાહ અને તેનાં હાકેમો ક્રોધથી લાલચોળ થઇ ગયા. અને ત્યારબાદ ભિષણ યુદ્ધના મંડરાણ થયા. ધ્રોલ પાસે ભુચરમોરીના મેદાનમાં અકબરની સેના અને જામસતાજીની સેના બાથ ભિડવવા માંડી. ક્ષત્રિયોની શૌર્ય શક્તિ સામે બાદશાહે નતમસ્તક થવું પડ્યું હતું. અને મંત્રણા માટે આજીજી કરવી પડી હતી.
જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલાએ જામસતાજીને કર્યો સપોર્ટ
પણ પેલી કહેવત છે ને ઘર કા ભેદી લંકા ઢાએ. જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલા તો જામસતાજીને સપોર્ટ કર્યો હતો પણ બાદમાં એના મનમાં એવુ થયું કે પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો. ફરી યુદ્ધ થયું. ક્ષત્રિયોએ ફરી પોતાનું શૌર્ય બતાવ્યું. બાદશાહની સેના ટપોટપ મરવા લાગી. સતત ત્રણ પ્રહાર આ યુધ્ધ ચાલ્યુ હોવાનું ઇતિહાસમાં લખાયું છે. દિલ્હીના લશ્કરમાં એક લાખ સૈનિકો હતા.
મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા
તો સામી બાજુ જામસતાજીનુ સૈન્ય પ્રમાણમાં નાનું હતું. પરંતુ ક્ષત્રીયોનું શૌર્ય અપ્રતિમ હતું. .અજાજીએ દુશ્મનના સૂબા પર ખુંખાર હૂમલો કર્યો. સુબો હાથી પર સવાર હતો. જ્યારે અજાજી ઘોડા પર હતા. ઘોડા પર સવાર અજાજીએ કૂદકો મારીને સુબા પર બરછીથી હુમલો કર્યો પણ સુબો બચી ગયો. બરછી હાથીની આરપાર થઈ ગઈ. પરંતુ બરાબર તે જ સમયે એક મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા. .
અઢીસો વર્ષ સુધી લોકોએ ન ઉજવી સાતમ
ભુચર મોરીના આ મેદાનમાં વિક્રમ સવંત 1648માં હાલારી શ્રાવણ વદ સાતમના રોજ આ લડાઇ થઇ હતી અને જામનગરના નરબંકાઓએ ક્ષત્રીય ધર્મ માટે શહીદી વ્હોરી હતી. જેથી જામનગરમાં આશરે અઢીસો વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા.
હજારો શહીદોએ પોતાના જીવ દીધા. અને લડાઇમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભુચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે. .ભુચર મોરીની ધાર એક માઇલ લાંબી છે. .આજે ત્યાં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રીય નરબંકાઓના પાળીયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide