ભાજપ-કોંગ્રેસની હૂંસા તૂસીમા મોરબી પાલિકાનો વહીવટ ખાડે ગયો હોવાની ચર્ચા

0
36
/

રોડ-રસ્તા, ગંદકી, સફાઈ, પાણી અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ શોધવામાં તંત્ર વામણું સાબિત થયું 

છેલ્લા પાંચ વર્ષમાં મોરબીની જનતાએ જોયા સતા લાલસાના ભૂંડા ખેલ

મોરબી : હાલ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કારણે સમગ્ર વિશ્વ ફલક ઉપર છવાઈ ગયેલ મોરબી શહેરના વિકાસને ગળેટુંપો આપી દેવાયો હોય તેવી સ્થિતિ શહેરીજનો અનુભવી રહ્યા છે અગાઉ ભાજપ બાદ ગત ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમતી આપનાર પ્રજાજનોને બદલામાં ઉભરાતી ભૂગર્ભ ગટર,તૂટેલા ફૂટેલા રોડ રસ્તા,ગંદુ પીવાનું પાણી,જરૂરત વગર 24 કલાક ચાલુ રહેતી સ્ટ્રીટલાઈટ અને સફાઈ વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ જ ભેટમાં મળ્યો છે, જેની પાછળ કોંગ્રેસ ઉપરાંત ભાજપ પણ એટલું જ જવાબદાર હોવાનું અને સતા લાલસામાં પ્રજાસેવકો પ્રજાના કામ કોરાણે મૂકી દીધા હોવાનું સ્પષ્ટ બન્યું છે ત્યારે પાલિકાના બાબુઓ પણ રાજકીય ખેંચતાણમાં સાઈડ લાઈન થઈ જતા સરવાળે પાછલાં પાંચ વર્ષમાં પ્રજાને હેરાનગતિ સિવાય કશું મળ્યું નથી.

ભવ્ય રાજાશાહી વારસો ધરાવતા મોરબી શહેરમાં વર્ષ 1950માં નગરપાલિકા અસ્તિત્વમાં આવી તે સમયે મોરબી શહેરની વસ્તી માત્ર 40772 હતી હાલ શહેરની વસ્તી ત્રણ લાખને પાર કરી ગઈ છે છતાં મહાનગરપાલિકાની હરોળમાં આવતા શહેરમાં દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા પ્રજાસેવકોના અભાવે શહેરનો સર્વાંગી વિકાસ દિવાસ્વપ્ન બન્યો છે, ઈચ્છાશક્તિના અભાવ અને રાજકીય ચંચૂપાતને કારણે આજે પણ મોરબીમાં 70 વર્ષ જુના સાંકડા માર્ગો ઉપર ગીચ ટ્રાફિકમાં વાહનો ચલાવવા અને ચાલવા માટે લોકો મજબુર બન્યા છે.એ જ કરોડો રૂપિયાના આંધણ બાદ પણ શહેરભરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરોથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,સાવ સામાન્ય ગણાતી આ સમસ્યાના ઉકેલમાં પાલિકા અને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દાયકા બાદ પણ સમાધાન શોધી શકી નથી.

સિરામિક હબ તરીકે ઉભરી આવેલા મોરબી શહેરમાં વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે દરવર્ષે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા પરંતુ મોરબી હોનારત જેવી દુર્ઘટના બાદ પણ પાલિકાતંત્ર કે રાજકારણીઓ દ્વારા આ દિશામાં કોઈ નક્કર સમાધાન કરી શકાયું નથી. ઉપરાંત દૈનિક શુદ્ધ પાણી વિતરણ,સારા અને સુઘડ જાહેર માર્ગો,સફાઈ વ્યવસ્થા સહિતના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણમાં પણ મોરબીનુ વહીવટીતંત્ર અને પાલિકાતંત્ર સંપૂર્ણપણે ઉણુ ઉતર્યું છે ત્યારે આવનારા દિવસોમાં મોરબી પાલિકામાં નવા સુકાનીઓ આ બધી સમસ્યાના ઉકેલ સાથે મોરબીનો સર્વાંગી વિકાસ થાય અને લોકોને મહાનગરમાં મળતી સુવિધા મળે તે દિશામાં પ્રયાસ કરે તે જરૂરી હોવાનું પ્રજાજનો પણ ઈચ્છી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/