મોરબીમાંથી અધધધ…100 કરોડ રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું: બે કૌભાંડીઓ ઝડપાયા

0
312
/
કોઈપણ જાતના માલની હેરફેર કર્યા વિના માત્ર સરકારને ચુનો લગાવવાના ઉદ્દેશ સાથે ઓન પેપર જ ચાલતું હતું કૌભાંડ: મોરબીના કેટલાક કેમિકલ અને સીરામીક યુનિટો સુધી તપાસ લંબાવવાની સંભાવના: ઝડપાયેલી એક કરોડ રૂપિયા જેટલી રોકડનો રેલો ક્યાં પહોંચશે એ અંગે અટકળો તેજ:

મોરબી :તાજેતરમા ટેક્ષચોરી ન થાય એ માટે કેન્દ્ર સરકારે મોટાભાગની ટેક્ષ વ્યવસ્થા પારદર્શી બનાવી ઓનલાઈન ગોઠવણ કરી છે. આમ છતાં બે નંબરી કાર્યપ્રણાલીને ન છોડી શકનારા વેપારી, ધંધાર્થીઓ, ઉદ્યોગગૃહો વ્યવસ્થામાં ક્યાંકને ક્યાંક છીંડા શોધી જ લેતા હોય છે. જો કે, સરકારી તંત્ર પણ આવા કૌભાંડીઓને ઝડપી લેવા સતત કાર્યરત રહે છે ત્યારે મોરબીમાંથી અધધધ…100 કરોડ રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાતા કૌભાંડીઓમાં ખળભળાટ મચી ગયો છે. ઉક્ત કૌભાંડમાં બે શખ્સોની ધરપકડ થઈ છે જ્યારે હજુ વિસ્તૃત તપાસમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી દ્વારા ગોઠવાયેલી ફુલપુફ જીએસટી સિસ્ટમમાં પણ છીંડા શોધી બોગસ બીલીંગનો બેનંબરી કારોબાર ચલાવી અનેક ધંધાર્થીઓ દ્વારા કરોડો રૂપિયાની ટેક્ષ ક્રેડિટ લઈ સરકારી તિજોરીને ચુનો ચોપડાઈ રહ્યો છે. ત્યારે સેન્ટ્રલ ઈન્ટેલીજીન્સ એજન્સીએ આ અભિયાનમાં જોડાઈને મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાંથી રૂ.100 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લઈ માસ્ટર માઈન્ડ સહિત બે લોકોની ધરપકડ કરી છે અને રૂ.૧ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. હવે તેમની પાસેથી બોગલ બીલ ખરીદનારાઓને સકંજામાં લેવા માટેનો ફૂલપૃફ તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સીના અધિકારીઓએ બોગસ બીલીંગ કરનારાઓને શોધવા માટે ગુપ્તરાહે છેલ્લા ઘણા સમયથી માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. આની ફલશ્રુતિ સ્વરૂપે મોરબીમાંથી 100 કરોડ રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ પણ ઝડપી પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

ગુપ્ત રાહે મળેલી બાતમીની ખરાઈ કર્યા બાદ મોરબીમાં જીએસટી અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો. આ રેડમાં વિરાટ ધનજીભાઈ મોરડીયા અને હિંમતભાઈ ગોરધનભાઇ અઘારા નામના બે શખ્સોને અધિકારીઓએ ઝડપી લીધા હતા અને તેમના દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ બોગસ બીલનો આંક મેળવવા ડેટા મેળવવામાં આવ્યા હતા. જેની ગણતરી કરવામાં આવતા આ બંને કૌભાંડીઓ દ્વારા અત્યાર સુધીમાં રૂ.100 કરોડના બોગસ બીલો ઈસ્યુ કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જ ખુલતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.

સેન્ટ્રલ ઈન્ટેલીજીન્સ એજન્સીએ ઝડપી લીધેલા રૂ.૧૦૦ કરોડના બોગસ બીલીંગ કૌભાંડમાં નવી જ મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે. જેમાં વિરાટ મોરડીયા દ્વારા બીલો બનાવવામાં આવતા હતા અને તે બીલો હિંમતભાઈ અઘારાને આપવામાં આવતા. જેનું વિરાટને નક્કી કરેલું કમિશન મળતું હતું. આ બીલો બાદમાં સિરામિક અને મીનરલ યુનિટના સંચાલકોને હિંમતભાઈ દ્વારા આપવામાં આવતા હતા. બન્ને કૌભાંડીઓ દ્વારા સરકાર તરફથી મેળવી લેવામાં આવેલી આઇટીસીનો તાળો મેળવતા હિંમત અધારાએ 10.45 કરોડથી વધુ જ્યારે વિરાટે 5.56 કરોડ રૂપિયાનું આઇટીસી મેળવી લીધાનું બહાર આવ્યું હતું.

ઈનપુટ ટેક્ષ ક્રેડિટ વધુમાં વધુ મળી શકે તે માટે કૌભાંડીઓએ કેમિકલના બીલો બનાવવાનું શરૂ કર્યું હતું કેમકે તેના પર ૧૮ ટકા TTC ચુકવવામાં આવે છે. તેથી અનેક સિરામિક તથા મીનરલના યુનિટો દ્વારા આવા બોગસ બીલો ખરીદ કર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં બીલોની ખરીદી કરનારને વિસ્તૃત તપાસ બાદ સાંણસામાં લેવામાં આવશે.

જે કૌભાંડ ઝડપાયું છે તેમાં ચોંકાવનારી બાબત એ છે કે કૌભાંડીઓ માત્ર બીલોની જ હેરફેર કરતા હતા. કોઈપણ જાતના માલની હેરાફેરી જ કરવામાં આવતી ન હતી અને આવા બોગસ બીલોના આધારે અત્યાર સુધીમાં રૂ.૧૫ કરોડની ઈમ્પટ, ટેક્ષ ક્રેડિટ લઈ લેવામાં આવી હતી. જીએસટીના કાયદા મુજબ બીલા લેનાર અને ખરીદનાર બંને પાસેથી રીકવરી ઉપરાંત ૧૦૦ ટકા પેનલ્ટીની પણ વસુલાત કરવામાં આવશે એવું આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળે છે.

સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી જયારે હિંમત ટ્રેડીંગવાળા હિંમતભાઈને ત્યાં તપાસની કાર્યવાહી કરી રહી હતી ત્યારે જ વિરાટનો ફોન આવ્યો હતો કે બેંકમાંથી રૂ.૧ કરોડ ઉપાડ લીધા છે તે કયાં આપી જાવ? હિમતભાઈને ત્યાં રેડ ચાલી રહી છે એ માહિતીથી અજાણ વિરાટ નક્કી કરેલા સ્થાન પર પહોંચતા જ અગાઉથી થયેલી ગોઠવણ મુજબ એજન્સીના અધિકારીઓ હિંમતભાઈને સાથે રાખી એ સ્થળ પર ગોઠવાઈ ગયા હતા અને દુર ઉભા રહી વિરાટે રોકડ રકમ હિંમતભાઈને આપતા તુરંત જ વિરાટને પણ ઝડપી લીધો હતો.

હાલ એજન્સી દ્વારા આ બંને પાસેથી બીલોની ખરીદી કરનાર સિરામિક તથા મીનરલ યુનિટના સંચાલકો કે જેમને બીલો ખરીદ કર્યા છે તેના થોકબંધ ડેટા હાથ લાગ્યા છે અને તેઓની આગામી દિવસોમાં ઈન્કવાયરી શરૂ થનાર છે. જેને આધારે સર્ચની કાર્યવાહી કરવાની જરૂર પડશે તો જે તે યુનિટમાં કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. મોરબીમાંથી મસમોટું બોગસ બીલનું કૌભાંડ બહાર આવતા બોગસ બિલથી સરકારી તિજોરીને કરોડોનું નુકશાન કરનાર યુનિટોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હવેના આવનારા દિવસોમાં કોના કોના નામો બહાર આવે છે તેની સામે સમગ્ર સીરામીક ઉદ્યોગકારોની મીટ મંડાઈ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/